રાજકોટના મવડીના સ્મશાન નજીક કણકોટ જવાના રસ્તા પરથી સવારે નેપાળી જેવા દેખાતા એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
માથા અને પગના ભાગે તિક્ષ્ણ હથીયારના 11 ઘા ઝીંકી યુવાનને રહેંસી નાંખવામાં આવ્યો હતો. પોલીસે હત્યા કરનાર શખ્સોને સકંજામાં લીધા હતા અને યુવાનને ચોર સમજી ચાર જેટલા શખ્સોએ માર મારી હત્યા કરી હતી.
લાશ જ્યાંથી મળી ત્યાં નજીકમાં જ બનતી નવી રેસિડેન્સીની સાઇટ પર આ યુવાન રાત્રીના નશો કરેલી હાલતમાં હોય એ રીતે આટાફેરા કરતો હોય ચોકીદારે ટપારતાં તેની સાથે ગાળાગાળી કરવા માંડતા ચોકીદાર સહિત ચાર જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર અને પાઇપથી ફટકારી રોડ પર ફેંકી દીધો હતો. બાદમાં ઘાયલ અવસ્થામાં કલાકો સુધી પડી રહેવાથી મોતને ભેટ્યાનું તારણ નીકળ્યું છે.
મારકૂટ કરનારા ત્રણ-ચાર શખ્સોને પોલીસે ઉઠાવી લઇ પૂછતાછ આદરી છે અને હત્યાનો ભોગ બનનારની ઓળખ મેળવવા દોડધામ શરૂ કરી છે.
