Gujarat News/ ગુજરાતમાં શિક્ષણનો મહાઉત્સવ: 9,165 ગામોમાં શાળા પ્રવેશોત્સવ 2026

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ (School Entrance)ની ઉત્સાહભેર ઉજવણી

Top Stories Gujarat
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા અને 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ (School Entrance)ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભથી કરાવ્યો હતો

Gujarat News :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા અને 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ (School Entrance)ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત વડનગરની એ ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી કરાવી હતી, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું.

આ ભગીરથ અભિયાન અંતર્ગત રાજ્યભરના કુલ 9,165 ગામો અને 12,729 શાળાઓને આવરી લેવામાં આવી હતી. શાળાના આંગણે ઉત્સવ જેવા માહોલમાં બાળકોને આવકારવા માટે મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 30,502 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

શિક્ષણના આ મહાપર્વમાં નવી પેઢીના લાખો બાળકોએ શાળાના આંગણે પગ મૂકીને રેકોર્ડબ્રેક નામાંકન નોંધાવ્યું છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ (School Entrance) દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 68 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનના શ્રીગણેશ કર્યા છે. જ્યારે બાલવાટિકા (Balvatika)માં 1.47 લાખથી વધુ, ધોરણ-1માં 36 હજારથી વધુ, ધોરણ-9 માં 2.16 લાખથી વધુ તેમજ ધોરણ-11માં 1.15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

રાજ્યના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને ખાસ કરીને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉમદા આશય સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ, રાજ્યમાં કન્યા કેળવણી (Kanya Kelavani)ને વિશેષ વેગ આપવાના હેતુથી પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

ગુજરાતની ઉદાર જનતાએ શિક્ષણના આ મહાયજ્ઞને સાર્વજનિક ઉત્સવ ગણીને ખુલ્લા હાથે જનસહયોગ આપ્યો છે. આ શૈક્ષણિક અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 9.06 કરોડની માતબર સહાય પ્રાપ્ત થઈ છે. આ સહયોગ અંતર્ગત રૂ. 1.24 કરોડ રોકડ સ્વરૂપે તેમજ રૂ. 7.83 કરોડની કિંમતના વિવિધ શૈક્ષણિક સાધનો જેવાં કે સ્કૂલ બેગ, સ્ટેશનરી અને સ્માર્ટ ટીવી શાળાઓને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી  રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યનો એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તાજેતરમાં થયેલા ‘Back to School Survey’ દરમિયાન રાજ્યભરમાંથી હજુ 3,485 એવા બાળકો નોંધાયા છે જેઓ શાળા નામાંકનથી વંચિત રહી ગયા છે. શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે વિશેષ ઝુંબેશ હાથ ધરીને આ તમામ બાકી રહેલા બાળકોને પણ મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં સત્વરે જોડી દેવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ

આ પણ વાંચો : કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી

આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવ-2025 બીજો દિવસ : મુખ્યમંત્રીએ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો