ગાંધીનગર,
કેટલીક વાર કોઈ પણ રાજકીય મુદ્દા અંગે વિધાનસભામાં થતા હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે કે ક્યારેય કોઈ મુદ્દાની વિશેષ ચર્ચા માટે સમય બદલવામાં આવતો હોય છે. પરંતુ રાજ્યની વિધાનસભાનો સમય ધારાસભ્યોની બીમારીઓના કારણે બદલવામાં આવી રહ્યો છે.
રાજ્યના કેટલાક ધારાસભ્યોએ સ્પીકર અને દંડક સમક્ષ પોતાની બીમારીઓ અંગે ચર્ચા કરી હતી અને ગૃહનો સમય બદલવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે ગૃહનો સમય બદલવાની ઘોષણા કરી છે.
વિધાનસભાના સ્પીકરે જણાવ્યું હતું કે, ગૃહનો સમય ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની બીમાર ધારાસભ્યોને ધ્યાનમાં રાખીને બદલવામાં આવી રહ્યો છે જેથી તેઓને બીમારીની સારવાર માટે અનુકૂળ સમય મળી શકે.
સ્પીકરની ઘોષણા બાદ વિધાનસભાના સવારના સત્રની કાર્યવાહી સવારે ૮.૩૦ વાગ્યે શરુ થતી હતી તે હવે એક કલાક બાદ ૯.૩૦ વાગ્યે શરુ થશે જયારે બાકીના દિવસોના સત્ર બપોરના બદલે સવારે ૧૧ વાગ્યે શરુ થશે. વિધાનસભાના સમય ઉપરાંત ધારાસભ્યોના લંચનો સમય પણ વધારવામાં આવ્યો છે. લંચ સમય માટે હવે ૧ કલાક મળશે.
મહત્વનું છે કે, રાજ્ય સરકાર પાસે ગૃહના ધારાસભ્યોની બીમારીઓ અંગે કોઈ રિપોર્ટ નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાતના કુલ ૧૮૨ માંથી ૪૦ ધારાસભ્યો હાલ ડાયાબિટીસ, હાઇપરટેન્શન તેમજ અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
