નડિયાદ, સુરતના શ્રધ્ધાળુએ 600 ગ્રામ સોનાનુ કર્યુ દાન
શામળાજી: અરવલ્લી જિલ્લાના જ નહીં સમગ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ એવા શામળાજી મંદિરમાં નડિયાદ અને સુરતના શ્રદ્ધાળુએ છસો (૬૦૦) ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે. ભાવિકો દ્વારા મંદિરને સોનાનાં દાન મળતાં શામળાજી મંદિરના શિખર અને ધ્વજદંડને સોના (Gold) થી મઢવાનુ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશભરમાં એક આસ્થાનું સ્થાન સમાન શામળાજી ખાતે ભગવાન શામળિયાનું મંદિર આવેલું છે. આ શામળાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિકો ભગવાન શામળિયાના દર્શનાર્થે આવે છે. આ શામળાજી મંદિરને ભગવાન શામળા શાહના ભક્તો દ્વારા છસો (૬૦૦) ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે.
સોનાથી મંદિરનાં શિખર અને ધ્વજદંડને મઢવાની કામગીરી શરૂ
શામળાજી મંદિરને નડિયાદ અને સુરતના શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું છે. જેને મંદિરના ટ્રસ્ટીજનો દ્વારા સહર્ષ સ્વિકારીને તેમની સેવાને બિરદાવી હતી. મંદિરને મળેલા આ સોનાનાં દાનથી મંદિરના શિખર અને ધ્વજદંડને સોનાથી મઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ખાસ સુવર્ણકાર કારીગરો દ્વારા મંદિરના શિખર અને ધ્વજદંડને મઢવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે શામળાજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. હજારોની સંખ્યામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહી આવે છે અને શામળા શેઠના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
