Gujarat Social Justice Budget 2026-27: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે ₹15,254 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર કર્યું છે. ‘સહાયથી સશક્તીકરણ અને સશક્તીકરણથી સમાનતા’ના મંત્ર સાથે સરકારે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને લઘુમતી વર્ગના ઉત્કર્ષ માટે ખજાનો ખોલી દીધો છે.
Budget : શિક્ષણ ક્ષેત્રે ‘ઐતિહાસિક’ ફેરફારો
વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ભણતર ન છોડે તે હેતુથી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કેટલીક મોટી જાહેરાતો કરી છે. જે અંતર્ગત પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને સીધી 6 લાખ કરી દેવામાં આવી છે, જેથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 15 લાખની લોનની જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે સરકારે 135 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત, શૈક્ષણિક લોન પરના વ્યાજ દરમાં પણ મોટી રાહત આપતા કન્યાઓ માટે માત્ર 3.5 ટકા અને કુમારો માટે 4 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે.

છાત્રાલયો અને આવાસ યોજનાઓ
સરકારે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વધારો કરી તેને માસિક 2160 થી વધારીને 2500 કરી દીધી છે. આ સાથે જ પાટણ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં 85 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક સરકારી છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવશે. આવાસ યોજનાઓ પર ભાર મૂકતા પંડિત દીનદયાળ અને ડૉ. આંબેડકર આવાસ યોજના માટે કુલ 375 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અંતર્ગત દીકરીઓને લગ્ન પ્રસંગે અપાતી 12000ની સહાય માટે પણ 102 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
દિવ્યાંગો અને વૃદ્ધો માટે નવી ભેટ
દિવ્યાંગો અને દર્દીઓની સુવિધામાં વધારો કરતા સરકારે મહત્વના નિર્ણયો લીધા છે, જે અંતર્ગત ગંભીર દિવ્યાંગતા ધરાવતા લોકો માટે અત્યાધુનિક ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ ગંભીર રોગોની સારવાર માટે અપાતી તબીબી સહાયની રકમમાં પણ 1200 થી 2000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળી રહે.

ડિજિટલ સુવિધા અને નશામુક્તિ
નાગરિક સુવિધા અને સામાજિક ઉત્થાન માટે સરકારે મહત્વના પગલાં ભર્યા છે, જે અંતર્ગત હવે આવકના દાખલા મેળવવા માટે નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. ઓનલાઇન અરજી કર્યા બાદ આ દાખલા સીધા જ WhatsApp અને Digilocker પર ઉપલબ્ધ કરાવાશે. આરોગ્ય ક્ષેત્રે રાજ્યના 34 જિલ્લાઓની નવી હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા નશામુક્તિ કેન્દ્રો (ડી-એડિક્શન સેન્ટર) સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં નિર્માણ પામી રહેલા 28.47 કરોડના ભવ્ય ‘સંકલ્પભૂમિ સ્મારક’નું કાર્ય પણ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
આ બજેટ દ્વારા સરકાર ‘અંત્યોદય’ એટલે કે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ દેખાઈ રહી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના કારણે હવે સહાય સીધી લાભાર્થીના ખાતામાં જશે, જેનાથી ભ્રષ્ટાચાર પર રોક લાગશે.
