Gujarat News : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. (ST) માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આજ, 31 ડિસેમ્બર 2025ની મધરાતથી અમલમાં આવશે, એટલે કે 1 જાન્યુઆરી 2026થી મુસાફરોને વધારું ભાડું ચૂકવવું પડશે. આ ભાડા વધારાની સીધી અસર એસ.ટી. (ST) માં દરરોજ મુસાફરી કરતા અંદાજે 27 લાખ મુસાફરો પર પડશે.
ઉલ્લેખનીય છે કે, GSRTC દ્વારા અગાઉ 28 માર્ચ 2025ના રોજ એસ.ટી. નાં ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે માત્ર 9 મહિનાના ગાળામાં એસ.ટી. (ST) ના ભાડામાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

એસ.ટી. (ST) નિગમના જણાવ્યા મુજબ, મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ પૂરી પાડવા, તેમજ સંચાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. જોકે નવા વર્ષની શરૂઆત સાથે જ ભાડા વધારાની જાહેરાત થતાં મુસાફરો માટે આ મોંઘવારીની વધુ એક ભેટ સાબિત થઈ છે.
