Gujarat Tribal Budget 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિધાનસભામાં આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 35,782 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર કર્યું છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બજેટનો સિંહફાળો આદિવાસી સમાજના શિક્ષણ, સ્વાસ્થ્ય, અને રોજગારી માટે ખર્ચવામાં આવશે. ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો અને ભણતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસની 5 સૌથી મોટી હાઇલાઇટ્સ
UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આદિવાસી યુવાનો માટે પ્રથમ તબક્કે 15 તાલુકાઓમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક ‘બિરસા મુંડા લાયબ્રેરીઓ’ બનાવવામાં આવશે. આ ઉપરાંત, આશ્રમશાળાઓ અને છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થામાં પણ વધારો કરાયો છે, જેમાં અગાઉ મળતા રૂ. 2160 વધારીને હવે રૂ. 2,500 કરવામાં આવ્યા છે.
સરકારી યોજનાઓનો વધુને વધુ મધ્યમવર્ગીય આદિવાસી પરિવારો લાભ લઈ શકે તે હેતુથી વિદ્યાર્થીઓની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને સીધી રૂ. 6 લાખ કરી દેવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવા EMRS, સૈનિક શાળા અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અપાતી વાર્ષિક 70 હજારની ગ્રાન્ટ વધારીને રૂ. 80 હજાર કરાઈ છે. જ્યારે 10 લાખ જેટલા આદિવાસી બાળકોને કુપોષણ મુક્ત કરવા અને તેમને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત રૂ. 200 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે.
ઉમરગામથી અંબાજી સુધી વિકાસની રફતાર
મંત્રી નરેશ પટેલે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યના 25 જેટલા વિભાગો મળીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત, રોડ-રસ્તાની સુવિધા વધારવા માટે ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં રસ્તાઓના નેટવર્ક માટે રૂ. 6,579 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ઉદવહન સિંચાઈ યોજનાઓ તેમજ ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ડાંગ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં અંદાજે રૂ. 5,400 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સુવિધાઓના નિર્માણથી ખેતી વધુ સમૃદ્ધ થશે અને રોજગારી માટે લોકોનું થતું સ્થળાંતર પણ અટકશે.
વનાધિકાર: જે ખેડે તેની જમીન!
જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને તેમના હક આપવા સરકાર કટિબદ્ધ છે. વનાધિકાર અધિનિયમ હેઠળ અત્યાર સુધીમાં 98,935 વ્યક્તિગત દાવાઓ મંજૂર કરીને 68,651 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. જ્યારે 3,879 સામુદાયિક દાવાઓ મંજૂર કરી 5.81 લાખ હેક્ટર જમીન આદિવાસી ભાઈ-બહેનોને સોંપાઈ છે.
1961માં Budget માત્ર રૂ. 58 કરોડ હતું
મંત્રીએ છેલ્લે ઉમેર્યું હતું કે, 1961માં આદિજાતિ વિભાગનું બજેટ માત્ર રૂ. 58 કરોડ હતું, જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝન હેઠળ રૂ. 35 હજાર કરોડને પાર કરી ગયું છે. આ બજેટ આદિવાસી સમાજને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવશે.
