Gujarat University Recruitment Controversy: ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા જાણે વિવાદોનો પર્યાય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ 4 પોસ્ટની ભરતી મોકૂફ રાખ્યા બાદ હવે સિનિયર ક્લાર્કની ભરતીમાં નિયમોમાં છેડછાડ કરવામાં આવી હોવાનો વિવાદ વકર્યો છે. NSUI એ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીએ પોતાના મળતિયાઓ અને સગા-વહાલાઓને સરકારી નોકરીમાં ગોઠવી દેવા માટે ભરતીના નિયમોમાં રાતોરાત ફેરફાર કર્યો છે.
વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કેમ?
સૌથી મોટો વિવાદ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટેની વયમર્યાદાને લઈને ઊભો થયો છે. NSUIના દાવા મુજબ, અગાઉ સિનિયર ક્લાર્કની ભરતી માટે વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ રાતોરાત નિયમ બદલીને જનરલ કેટેગરીની મહિલાઓ માટે વયમર્યાદા વધારીને ૪૫ વર્ષ કરી દેવામાં આવી છે. આ મામલે ગંભીર આક્ષેપ કરતા NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું છે કે, કોઈ ચોક્કસ અધિકારી કે રાજકીય વ્યક્તિના માનીતા ઉમેદવારને સેટ કરવાના ઈરાદાથી જ વયમર્યાદામાં આ ૫ વર્ષની વિશેષ છૂટછાટ આપવામાં આવી છે.
મળતિયાઓને સેટ કરવા ‘ખાસ ભરતી’?
NSUI એ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા પારદર્શક નથી. અગાઉ પણ કેટલીક પોસ્ટ માટે માત્ર એક-એક ઉમેદવારને જ માન્ય રાખવામાં આવ્યા હતા, જે બાદ વિરોધ થતા ૪ પોસ્ટની ભરતી મુલતવી રાખવી પડી હતી. હવે સિનિયર ક્લાર્કની પોસ્ટમાં પણ RSS અને ભાજપ સાથે જોડાયેલા લોકોના સગા-વહાલાઓને લેવા માટે વહીવટી તંત્ર મથામણ કરી રહ્યું હોવાનો દાવો કરાયો છે.
ઉગ્ર આંદોલનની ચીમકી
NSUI એ માંગ કરી છે કે જો આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાવિક સોલંકીએ વધુમાં ઉમેર્યું કે, “કયા અધિકારીના માનીતાને સેટ કરવા માટે નિયમો બદલાયા છે, તેમના નામ પણ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.”
ગુજરાતની સૌથી મોટી અને જૂની યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા આ રીતે શંકાના દાયરામાં આવતા લાયક ઉમેદવારો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
