Hardik Pandya FIR Demand: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની ભવ્ય જીત બાદ ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ (તિરંગા) ના કથિત અપમાન બદલ તેની વિરુદ્ધ પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ વાજિદ ખાન દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદને કારણે હાર્દિક પંડ્યા સામે કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે. શું છે સમગ્ર વિવાદ અને ફરિયાદની વિગતો?
રાષ્ટ્રીય ધ્વજ સાથેના વર્તન પર વાંધો
રવિવાર, 8 માર્ચ 2026 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. જીત બાદ ઉજવણીના જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, તેમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની પીઠ પર તિરંગો લપેટીને નાચતા અને દોડતા જોવા મળે છે. ફરિયાદમાં આરોપ છે કે ઉજવણીના જોશમાં પંડ્યાએ રાષ્ટ્રીય ધ્વજની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે.
Hardik Pandya ના ગર્લફ્રેન્ડ સાથેનો વીડિયો અને ફોટો ચર્ચામાં
એડવોકેટ વાજિદ ખાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઉજવણી દરમિયાન પોતાની કથિત ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahieka Sharma) સાથે સ્ટેજ પર સૂતા જોવા મળ્યા હતા, અને તે સમયે પણ તિરંગો તેમના શરીર પર લપેટેલો હતો. એડવોકેટના મતે, આ હરકત રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદરના અભાવને દર્શાવે છે અને ‘નેશનલ ફ્લેગ એક્ટ’ (The Prevention of Insults to National Honour Act, 1971) હેઠળ અપરાધ છે.
કાયદાકીય કલમ અને જેલની સજાની જોગવાઈ
ફરિયાદકર્તાએ ભારપૂર્વક કહ્યું કે, પ્રત્યેક નાગરિકની ફરજ છે કે તે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરે. ‘પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ ની કલમ 2 મુજબ, જો કોઈ વ્યક્તિ જાહેરમાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરે, તેને કચડે કે અયોગ્ય રીતે પ્રદર્શિત કરે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે.
પુણે પોલીસમાં ફરિયાદનું કારણ
જોકે આ ઘટના અમદાવાદમાં બની હતી, પરંતુ પુણેના એડવોકેટ વાજિદ ખાને પુણેમાં જ ફરિયાદ નોંધાવી છે. તેમણે દલીલ કરી હતી કે રાષ્ટ્રીય ધ્વજ એ સમગ્ર દેશનું પ્રતિક છે, તેથી તેની વિરુદ્ધ કોઈ પણ ખૂણે ફરિયાદ કરી શકાય છે. પુણે પોલીસે હાલ ફરિયાદની અરજી સ્વીકારી લીધી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો હાર્દિકની (Hardik Pandya) ઉજવણીને જીતના જોશની સ્વાભાવિક પ્રતિક્રિયા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક ગંભીરતાથી માની રહ્યા છે કે રાષ્ટ્રીય પ્રતિકો સાથેની ગરિમા જળવાવી જોઈએ. હાર્દિક પંડ્યા માટે આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે તે પોતાની શાનદાર રમત માટે પ્રશંસા મેળવી રહ્યા હતા.

