Sabarkantha Ponzi Scheme: સાબરકાંઠા જિલ્લામાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર પોન્ઝી સ્કીમના માસ્ટરમાઇન્ડ અજય મકવાણાની હિંમતનગર પોલીસે ધરપકડ કરી છે. ‘એઆર ગ્રુપ’ (AR Group) ના નામે છેતરપિંડી આચરનાર આ ઠગ છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી ફરાર હતો.
Sabarkantha : શું હતું એઆર ગ્રુપનું પોન્ઝી સ્કીમ કૌભાંડ?
સુરતના બીઝેડ (BZ) કૌભાંડની જેમ જ અજય મકવાણાએ પોતાની ચીટર ગેંગ સાથે મળીને હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ‘એઆર ગ્રુપ’ શરૂ કર્યું હતું. આ ટોળકીએ રોકાણકારોને ટૂંકા સમયમાં બમણા પૈસા અથવા માતબર વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. જ્યારે વળતર આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
સીઆઈડી ક્રાઈમ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
આ કૌભાંડ બહાર આવ્યા બાદ અનેક રોકાણકારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવી હોવાની ફરિયાદો ઉઠી હતી. સીઆઈડી ક્રાઈમ અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં અજય મકવાણા, તેના પિતા રજુસિંહ મકવાણા સહિત ત્રણ શખ્સો સામે GPID એક્ટ (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

5 મહિનાની ફરાર બાદ આખરે જેલના સળિયા પાછળ
છેલ્લા પાંચ મહિનાથી પોલીસની ટીમો અજય મકવાણાને શોધી રહી હતી. આખરે ચોક્કસ બાતમીના આધારે હિંમતનગર પોલીસે તેને દબોચી લીધો છે. આ ધરપકડ બાદ પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે ફરાર અજય મકવાણાને પાંચ મહિના સુધી કોણે આશરો આપ્યો હતો અને તેની આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે. આ ઉપરાંત, આ કૌભાંડના કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા છે કે ક્યાં છુપાવવામાં આવ્યા છે, તે અંગે પણ પોલીસે ઊંડી પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રોકાણકારોમાં ફફડાટ અને આશા
અજય મકવાણાની ધરપકડથી એવા રોકાણકારોમાં આશા જાગી છે જેમણે પોતાના નાણાં ગુમાવ્યા છે. જોકે, આ કૌભાંડનો આંકડો ખૂબ મોટો હોવાની શક્યતા છે, તેથી પોલીસ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ ખુલાસા કરશે.
આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: હિંમતનગરની પોન્ઝી સ્કીમો મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર
