સુરત,
સુરતમાં એક યુવકની જાહેર રસ્તા પર હત્યા કરી દેવાતા સનસનાટી મચી છે.જોવાની વાત એ છે કે પોલિસ સ્ટેશનથી થોડે દુર જ જાહેર રસ્તા પર હત્યા થઇ ગઇ હતી.લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતરે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
ચોંકાવનારી વાત એ પણ છે કે આ હત્યાનો લાઇવ વીડીયો પણ બહાર આવ્યો છે.જે યુવકની હત્યા થઇ છે તે પોલિસનો બાતમીદાર હોવાનું સામે આવ્યું છે.
બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો. જ્યારે યુવકને લાકડાના ફટાકા મારવામાં આવતા ત્યારે લોકો જોઈ રહ્યા અને કોઈ મદદે પણ ન ગયું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. જો પોલીસના બાતમીદારની જ આવી ક્રુર હત્યા કરવામાં આવે તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું? શું સુરતમાં પોલીસનો ડર જ રહ્યો નથી? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં મકરૂનગર આવાસમાં રહેતો 27 વર્ષનો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા માટે એવું કહેવાઇ રહ્યું હતું કે ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો.પોલિસનો બાતમીદાર હોવાના કારણે ઇમરાનના ઘણાં દુશ્મનો પણ બન્યા હતા.
ઇમરાન સાંજેના સમયે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા.જાહેર રસ્તા પર ઇમરાનને આટલો મરણતોલ માર પડતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.ઇમરાને મારીને બાબુ અને વિનોદ ફરાર થઇ ગયા હતા.
પોલીસે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.
