ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ પર રહેલી સિસ્ટમ પહેલાં ગુજરાત પર આવે તેવી શક્યતા હતી પરંતુ હવે તે રાજસ્થાન પરથી પસાર થશે. આ સિસ્ટમ આગળ વધતાં જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ આજથી વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

18થી 20 સપ્ટેમ્બરની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. સિસ્ટમ રાજસ્થાન પરથી પસાર થતી હોવાને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, 19મીની સવારે આઠ વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
20 સપ્ટેબરે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.
