Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ રાજ્યમાં 10 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ 11 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિમાં ફરી વધારો થઈ શકે છે.
હાલમાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં સક્રિય બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. તેના કારણે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સાથે અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
7થી 10 ઓગસ્ટ સુધી કેવો રહેશે માહોલ?
હવામાન વિભાગના અનુમાન મુજબ 7થી 10 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
11થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદ વધવાની સંભાવના
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ (NCMRWF)ના વિવિધ મોડલ મુજબ 11થી 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.
દરિયાકાંઠા માટે હાઈ વેવ એલર્ટ
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયાકિનારે 3.1થી 3.4 મીટર સુધી ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી હાઈ વેવ એલર્ટ જાહેર કરાયું છે.
ભાવનગરના દરિયાકાંઠે સ્વેલ સર્જ વોચ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત અમરેલી, કચ્છ અને વલસાડના દરિયાકાંઠા માટે પણ હાઈ વેવ વોચ અમલમાં છે. તંત્રએ માછીમારો, પ્રવાસીઓ અને દરિયાકિનારાના રહેવાસીઓને સાવચેતી રાખવા તથા દરિયામાં જવાનું ટાળવા અપીલ કરી છે.
હવામાનમાં ફેરફારનું કારણ
હાલમાં મોનસૂન ટ્રફ ઉત્તર ભારતમાંથી પૂર્વોત્તર તરફ પસાર થઈ રહ્યો છે. તેની સાથે ઉત્તરપૂર્વ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો ફૂંકાતા હોવાથી વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદનું આજનું હવામાન
અમદાવાદમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 32 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
રાજકોટનું આજનું હવામાન
રાજકોટમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. શહેરનું મહત્તમ તાપમાન લગભગ 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
સુરતનું આજનું હવામાન
સુરતમાં પણ આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: વાવ-થરાદમાં વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી યથાવત, પાણીમાં ગરકાવ થયો મગફળી-બાજરીનો પાક
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો, તાપમાનમાં વધારો; 10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી
આ પણ વાંચો: ભરૂચમાં કુદરતનો ડબલ કહેર! 200 એકર જમીન નદીમાં સમાઈ, ઉભા પાકનો વિનાશ; ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ
