india news/ UPI પેમેન્ટ પર ફરી ચાર્જની ચર્ચા, ₹2,000થી વધુના વેપારી વ્યવહારો પર લાગી શકે છે ફી

UPI Charges Update: કેન્દ્ર સરકાર UPIના મોટા વેપારી વ્યવહારો પર MDR ચાર્જ લાગુ કરવાની તૈયારીમાં છે.

Top Stories India
UPI Charges

UPI Charges News: ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી લોકપ્રિય માધ્યમ બનેલું UPI હવે નવા નિયમો હેઠળ આવી શકે છે. કેન્દ્ર સરકાર UPI દ્વારા થતા કેટલાક મોટા વેપારી વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે. જોકે, સામાન્ય યુઝર્સ માટે રાહતની વાત એ છે કે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા UPI ટ્રાન્સફર (P2P) પર કોઈ ચાર્જ લાગશે નહીં.

સરકાર દ્વારા વિચારાધીન પ્રસ્તાવ મુજબ, જો વેપારી વ્યવહારની રકમ ₹2,000થી વધુ હશે તો તેના પર 0.25 ટકાથી 0.4 ટકા સુધીની ફી વસૂલવાની જોગવાઈ થઈ શકે છે. આ ચાર્જ માત્ર મર્ચન્ટ પેમેન્ટ માટે લાગુ થશે અને સામાન્ય લોકોની રોજિંદી નાની ચુકવણીઓ પર તેની અસર નહીં થાય.

સંસદમાં રજૂ કરાયેલા બિલમાં શું છે જોગવાઈ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ પર MDR લાગુ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ નિયમ ક્યારથી લાગુ થશે તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

95 ટકા UPI ટ્રાન્ઝેક્શન પર નહીં લાગે કોઈ ફી

સરકારી અનુમાન પ્રમાણે, ₹2,000ની મર્યાદા નક્કી કરવામાં આવે તો UPIના કુલ વ્યવહારોમાંથી માત્ર 5 ટકા જેટલા ટ્રાન્ઝેક્શન જ ચાર્જ હેઠળ આવશે. જ્યારે બાકીના 95 ટકા વ્યવહારો પહેલાની જેમ ફ્રી રહેશે.

દૂધ, શાકભાજી, કરિયાણાની ખરીદી, ઓટોનું ભાડું જેવી સામાન્ય જરૂરિયાતોની ચુકવણી પર કોઈ વધારાનો ખર્ચ નહીં આવે.

જોકે, મોટા વ્યવહારોની સંખ્યા ઓછી હોવા છતાં તેનું મૂલ્ય ઘણું વધારે છે. આ 5 ટકા મોટા ટ્રાન્ઝેક્શન કુલ UPI ટ્રાન્ઝેક્શનના લગભગ 65 ટકા જેટલા મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

UPIના વધતા ઉપયોગ વચ્ચે સરકારનો નવો વિચાર

ભારતમાં UPIનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, એક મહિનામાં 23.7 અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જેનું કુલ મૂલ્ય લગભગ ₹29.9 લાખ કરોડ હતું.

આટલા મોટા પ્રમાણમાં થતા ડિજિટલ વ્યવહારોને કારણે બેંકો, પેમેન્ટ કંપનીઓ અને સમગ્ર ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આર્થિક સ્થિરતા જાળવવા માટે સરકાર નવા વિકલ્પો પર વિચાર કરી રહી છે.

જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો સામાન્ય UPI યુઝર્સ પર સીધી અસર નહીં થાય, પરંતુ મોટા વેપારીઓ માટે ઊંચી રકમના UPI પેમેન્ટ પર વધારાનો ખર્ચ આવી શકે છે. હવે સરકારના અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે કે UPI ચાર્જ અંગેની નવી વ્યવસ્થા ક્યારે અને કેવી રીતે લાગુ થશે.


આ પણ વાંચો: UPI પર લાગી શકે છે ચાર્જ! 6 વર્ષ પછી MDRની વાપસીની તૈયારી, સરકાર લાવશે નવું બિલ

આ પણ વાંચો: UPI યુઝર્સ માટે મોટા સમાચાર: ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે ચાર્જ; મોટા વેપારીઓ માટે સરકાર ઘડી રહી છે નવો એક્શન પ્લાન

આ પણ વાંચો: શું તમારે UPI ચુકવણી નિષ્ફળ ગઈ અને પૈસા પણ કપાઈ ગયા? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા