અમદાવાદમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ ન નથી તેમ તેઓ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. જેના કારણે શહેરમાં ક્રાઈમ રેટમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. જુના અમદાવાદમાં ગુનેગારોની ગુંડાગીરી ખુબજ વધી ગઈ છે. તાજેતરની જો વાત કરીએ તો જમાલપુર વિસ્તારમાં આવેલી શાક માર્કેટ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક નહિ બે જીવલેણ હુમલાના બનાવો બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાય ગયો છે. જેમાં એક બનાવમાં પોલીસ જવાન ઉપર રિક્ષાચાલકે છરી મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જયારે બીજા એક બનાવમાં નજીવી બાબતમાં એક ઈસમએ બીજા ઈસમને ઉપરાછાપરી છરીના બે ઘા મારી દીધા હતા. બંને બનાવની પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દીધી હતી.
શહેરમાં અત્યારે નાઈટ કર્ફ્યુ અમલમાં છે અને આગામી દિવસોમાં રથયાત્રા નીકળી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જેના ભાગરૂપે કોટ વિસ્તારમાં પોલીસે વાહન ચેકીંગ અને નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે. પોલીસની આટલી કડક કાર્યવાહી હોવા છતાં ગુનેગારો બેફામ બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે જમાલપુર ચાર રસ્તા પાસે ગાયકવાડ હવેલીના પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક અજાણ્યો રિક્ષાચાલક રોન્ગ સાઈડમાં તેમની સાઈડમાં આવી રહ્યો હતો. જેથી પોલીસ જવાનોએ તેને અટકાવીને તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું હાથ ધરતા તેણે પોતાની પાસે રહેલી છરી કાઢીને લોક રક્ષક જવાન નરેન્દ્રસિંહ ના શરીરે ઉપરછાપરી ઘા મારી દેતા તેમને અસહય લોહી નીકળવાનું અન્ય પોલીસ જવાનોએ તેમની મદદ કરીને તેમને શિફા હોસ્પ્ટિલમાં ખસેડયા હતા. બનાવ બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત પોલીસ જવાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની ચર્ચા હજી વિસ્તારમાં ચાલી જ રહી હતી ને ત્યાં વધુ એક જીવલેણ હુમલાની ઘટના જમાલપુર શાક માર્કેટ પાસે બની હતી. જેમાં નજીવી બાબતમાં બે ઈસમો વચ્ચે બોલાચાલી થતા પ્રદીપ તોમર નામના ઈસમે શયામ બહાદુર નામની વ્યક્તિની ઉપર આડેધડ બે છરીના ઘા મારી દેતા ફરિયાદી જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આસપાસના લોકોને બનાવની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવતા આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પ્ટિલમાં ખસેડતા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદીના આક્ષેપના આધારે કેસની તપાસ શરુ કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકની અંદર જ બે જીવલેણ હુમલાના બનાવો જમાલપુર વિસ્તારમાં બની જતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે આ મામલે તપાસના ચક્રોગતિમાન કરી દીધા છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
