Rajkot Unseasonal Rain: રાજકોટ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અચાનક ત્રાટકેલા આ માવઠાએ ખેડૂતોની આખાય વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળવા થી લઈને જસદણ પંથકમાં ઉભા પાકનો સોથ વળી જવા સુધીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે.

Rajkot ના બેડી યાર્ડમાં આફત
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી હતી. યાર્ડના પટાંગણમાં પાણી ભરાઈ જતાં ૩૦ થી ૪૦ ગુણી જેટલી મગફળી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઉપરાંત, યાર્ડના ડોમની અંદર સંગ્રહિત મગફળીનો જથ્થો પણ ભેજ અને પાણી ભરાવાને કારણે બગડી ગયો છે. આ સમગ્ર ઘટના અંગે યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને નુકસાન ન થાય તેની ખાતરી આપવામાં આવી છે. સાથે જ નવા પ્લેટફોર્મ અને ડોમ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે અને નુકસાનીગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

જસદણમાં વાવાઝોડાનો કહેર
જસદણ તાલુકાના આટકોટ, જીવાપર, જસાપર અને પાંચવડા સહિતના ગામોમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે કુદરતી કેર વર્તાવ્યો છે. આ વાવાઝોડાને કારણે હજારો વીઘામાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, અને ઘઉં તેમજ મકાઈના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, અહીં ફૂંકાયેલું વાવાઝોડું એટલું પ્રચંડ હતું કે આટકોટમાં આવેલું એક બંધ રેસ્ટોરન્ટ ધરાશાયી થઈ ગયું હતું, જ્યારે હોસ્પિટલના પતરા ઉડીને દૂર સુધી ફેંકાયા હતા.

ખેડૂતોની વળતરની માંગ
કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. જીવાપર અને સાણથલી સહિતના વિસ્તારોમાં ખેતરોમાં પાક પલળી જતાં ખેડૂતો હવે સરકાર પાસે સત્વરે સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: માવઠાની એન્ટ્રી! ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, ખેડૂતો અને જનતા માટે જાહેર થયું એલર્ટ
આ પણ વાંચો: કમોસમી વરસાદમાં પાક બચાવ માટે કૃષિ માર્ગદર્શિકા અનુસરો
આ પણ વાંચો: અમરેલીના બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં
