જોધપુર,
વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી છે.ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ગણાતા હાર્દિક પંડ્યાએ ભારતના બંધારણના પ્રણેતા ડો. બાબા સાહેબ આંબેડકર પર ટીપ્પણી કરવી ભારે પડી છે. ડો.બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ જોધપુરની કોર્ટમાં હાર્દિક પંડ્યા સામે FIR નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ જોધપુરની કોર્ટમાં SC-ST ઍક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.
હાર્દિક વિરૂધ્ધ કેસ કરનાર એડવોકેટ ડી.આર. મેઘવાલે જણાવ્યું કે, હાર્દિક પંડ્યાએ થોડાક મહિના પહેલા Twitter પર એક પોસ્ટ કરીને ડો.બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. મેઘવાલે કહ્યું કે, આ પહેલા લૂણી પોલીસ-સ્ટેશનમાં પોલિસ ફરિયાદ કરાવવા માટે ગયા હતા, પરંતુ ત્યાના ઇન્સ્પેક્ટરે તેને નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.
મેઘવાલે જણાવ્યું કે, ઇન્સ્પેક્ટરનું કહેવું હતું કે તે આટલા મોટા ક્રિકેટ પ્લેયર વિરુદ્ધ તેઓ FIR ન નોંધી શકે. ત્યારબાદ મેઘવાલ કોર્ટ પહોંચ્યા અને ફરિયાદ રજૂ કરી, જેના પર બુધવારે કોર્ટમાં સુનાવણી કરીને હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો. આ મામલે કોર્ટે પંડ્યા વિરુદ્ધ કેસ ન નોંધનારા લૂણીના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.
