Surat News/ સુરત સિવિલના ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટો ખુલાસો: 4 સિનિયર રેસિડેન્ટ સસ્પેન્ડ, રેગિંગની તપાસ તેજ

Harsh Pandya Death Case: ડૉ. હર્ષ પંડ્યાના મોત બાદ સુરત સિવિલમાં રેગિંગનો ચોંકાવનારો ખુલાસો! 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ થયા, હવે તપાસમાં સામે આવશે અનેક મહત્વની કડીઓ…જાણો સમગ્ર મામલો

Gujarat Top Stories Surat
Harsh Pandya Death Case: 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુના મામલે (Harsh Pandya Death Case) તપાસ દરમિયાન રેગિંગને લઈને ગંભીર વિગતો સામે આવી છે. પોલીસ અને મેડિકલ કોલેજ તંત્રની તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓની ભૂમિકા સામે આવતાં ચારેયને 6 મહિના માટે (Doctor Ragging Case) હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, પરિવારજનો દ્વારા હર્ષને માનસિક ત્રાસ અને રેગિંગનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Harsh Pandya Death Case: 9 ઓગસ્ટે હોસ્ટેલમાં ડૉ. હર્ષનું મૃત્યુ

સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ તરીકે અભ્યાસ કરતા ડૉ. હર્ષ પંડ્યાનું 9 ઓગસ્ટે હોસ્ટેલના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષ મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અને તેમની ઉંમર 30 વર્ષ હતી. ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો તાત્કાલિક સુરત પહોંચ્યા હતા.

પરિવારજનોએ રેગિંગની શંકા વ્યક્ત કરી

હર્ષના પરિવારજનો અને સંબંધીઓએ શરૂઆતથી જ રેગિંગ અંગે શંકા (Ragging Case Surat) વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને અન્ય રેસિડેન્ટ તબીબોના નિવેદનો દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ તરફથી માનસિક ત્રાસ અને દબાણની બાબતો સામે આવી હતી. પરિવારનો આક્ષેપ હતો કે આ પ્રકારના ત્રાસને કારણે હર્ષ ગંભીર માનસિક દબાણમાં આવ્યા હોઈ શકે છે.

ચાર સિનિયર રેસિડેન્ટ સામે કાર્યવાહી

રેગિંગ સંબંધિત તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓની ભૂમિકા સામે આવતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામને છ મહિના માટે હોસ્પિટલની (Surat Civil Hospital) ફરજ,તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ ચાલુ રાખવામાં આવી છે.

હર્ષની થોડા સમય પહેલાં જ સગાઈ થઈ હતી

પરિવારજનોએ જણાવ્યું હતું કે હર્ષ સ્વભાવથી શાંત, જવાબદાર અને પ્રામાણિક હતા. થોડા સમય પહેલાં જ તેમની સગાઈ થઈ હતી. તેમણે MBBSનો અભ્યાસ ફિલિપાઈન્સમાંથી પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ નોકરી પણ કરી હતી. તેમના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S. જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયા છે. હર્ષના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે.

પરિવારની રિ-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસની માંગ

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં પરિવાર આઘાતની સ્થિતિમાં હોવાથી પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપી હતી. જોકે, બાદમાં ઘટનાને લઈને શંકા ઊભી થતાં પરિવાર દ્વારા હોસ્પિટલના ડીન અને સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરિવારજનોએ રિ-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસની માંગ કરી હતી. હાલ પોસ્ટમોર્ટમ અને FSL સંબંધિત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

‘હર્ષ પર સિનિયરોના દબાણની શંકા હતી’

હર્ષના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાના જણાવ્યા મુજબ, સાથી વિદ્યાર્થીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સિનિયરો તરફથી થતા દબાણ અને માનસિક ત્રાસ અંગે પરિવારને શંકા ઊભી થઈ હતી. પરિવારનું કહેવું છે કે તપાસ દરમિયાન પણ રેગિંગ સંબંધિત બાબતો સામે આવી છે. જોકે, હર્ષના મૃત્યુનું ચોક્કસ કારણ અને તેમાં કોની કેટલી ભૂમિકા હતી તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

અગાઉની ઘટનાઓનો પણ પરિવારજનોએ ઉલ્લેખ કર્યો

પરિવારના સંબંધીએ સિવિલ હોસ્પિટલમાં અગાઉ બનેલી એક અન્ય ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અગાઉ અંકિત નામના તબીબ પાસેથી લાંબા સમય સુધી કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ થયો હતો અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ આ પ્રકારની ઘટનાઓમાં માત્ર તપાસ કમિટી રચવાને બદલે જવાબદારો સામે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

HOD સમક્ષ અગાઉ ફરિયાદો થઈ હોવાનો આક્ષેપ

પરિવાર તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતા માનસિક ત્રાસ, ટોર્ચરિંગ અને હેરાનગતિ અંગે HOD સમક્ષ રજૂઆત કરી હતી. સિનિયરો દ્વારા વિદ્યાર્થીઓને અપમાનિત કરવામાં આવતા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. આ તમામ બાબતોની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હવે તપાસના પરિણામ પર સૌની નજર

ડૉ. હર્ષ પંડ્યાના મૃત્યુ બાદ સામે આવેલા રેગિંગના આરોપોએ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટરોની સુરક્ષા અને કામકાજના વાતાવરણ અંગે સવાલો ઊભા કર્યા છે. ચાર સિનિયર રેસિડેન્ટને સસ્પેન્ડ (Senior Resident Doctors) કર્યા બાદ હવે પોલીસ, મેડિકલ કોલેજ તંત્ર અને ફોરેન્સિક તપાસમાંથી સામે આવનારી વિગતો મહત્વપૂર્ણ રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ જ હર્ષના મૃત્યુ પાછળની સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.


આ પણ વાંચો: સુરત સિવિલના રેસિડેન્ટ ડૉક્ટરનું મોત: હોસ્ટેલમાં 30 વર્ષીય ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

આ પણ વાંચો: ગુજરાતની કોલેજમાં રેગિંગને લઈને નવો આદેશ, GR બહાર પાડવામાં આવશે, રાજ્ય સરકારે કોર્ટમાં કહી આ વાત

આ પણ વાંચો: પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં ઝડપાયેલા 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે