લાગે છે કે મમતા બેનર્જી પગની ઇજાને નામે ઇમોશનલ કાર્ડ રમી રહી છે. મમતાએ પોતાની ઇજાને હથિયાર બનાવીને ભાજપ સામે નિશાન તાક્યું છે. બંગાળના ઝારગ્રામમાં એક રેલી દરમિયાન મમતાએ સીપીએમ અને ભાજપ એમ બન્ને પર ગંભીર આરોપો લગાવ્યા છે. મમતાએ કહ્યું કે મારા પર ઘણીવાર હુમલા થયા છે. પહેલા સીપીએમવાળા મને મારતા હતા હવે ભાજપવાળાઓએ મને મારવાનું શરુ કર્યું છે. સીપીએમના લોકો હવે ભાજપમાં આવી ગયા છે.
મમતાએ કહ્યું કે કેટલાક ષડયંત્રકારી અને લાલચી લોકોએ ભાજપા જોઇન કરી છે. મમતાએ ભાજપ તરફ ઇશારો કરીને કહ્યું કે બહારના ગુંડાઓ બંગાળમાં દખલગીરી કરવા માંગે છે. ભાજપ બાહુબળના જોરે બંગાળ જીતવાની કોશિશ કરી રહ્યું છે. જો કે મમતાએ હુંકાર ભરતા આક્રમક મુદ્રામાં કહ્યું કે જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું આવુ નહીં થવા દઉં. મહત્વનું છે કે થોડાક દિવસો પહેલા મમતા નંદીગ્રામમાં ઇજાગ્રસ્ત થઇ હતી.
મમતાની ઇજાને લઇને ટીએમસી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થયા હતા. મમતાએ પોતાની ઇજા પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. મમતાએ બાંકુરાની રેલીમાં એમ કહ્યું કે અમિત શાહ ઇલેક્શન કમિશનની કામગીરીમાં દખલગીરી કરી રહ્યા છે. મમતાએ આ રેલીમાં ચંડી પાઠ પણ કર્યો હતો.
મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો કે તેમના નેતા હોટલમાંથી ખાવાનું મંગાવે છે અને દલિત લોકોના ઘરમાં જઇને ખાવાનું ખાવાની વાત કરે છે જે ગરીબોનું અપમાન છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ કહ્યું કે જો ભાજપ બંગાળમાં અરાજકતા ફેલાવશે તો અહીંની મહિલાઓ તેને પાઠ ભણાવશે. પીએમ પર પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે પીએમ બંગાળી સ્ક્રિપ્ટને જોઇને વાંચે છે અને બંગાળી બોલવાની કોશિશ કરે છે. રેલીમાં મમતાએ કહ્યું કે જો ચૂંટણી સમયે હું બહાર ના નીકળી હોત તો ભાજપ રાજ્યમાં લૂંટ મચાવી દેત. ભાજપવાળાએ મારા પગ પર હુમલો કર્યો પરંતુ બંગાળની બધી મહિલાઓ મારી સાથે ઉભી છે.
