Lifestyle: ભારતની યુવાપેઢીમાં માથા અને ગરદનના કેન્સરના કિસ્સાઓમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. તો ચાલો, એની પાછળના મુખ્ય કારણો કયા-કયા છે એ વિશે ડૉક્ટર પાસેથી જાણીએ…
સમગ્ર વિશ્વમાં કેન્સર (Cancer)ના કિસ્સાઓમાં લગાતાર વૃદ્ધિ થઇ રહી છે અને એને લગતા ઘણા જાગૃતિ અભિયાનો (Awareness Campaigns) પણ ચલાવવામાં આવ્યા છે જેથી, આ જીવલેણ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરી શકાય. ભારતમાં પણ કેન્સરના કેસ ઝડપભેર વધી જવા પામ્યા છે અને યુવાનોથી માંડીને વડીલો એના શિકાર બની રહ્યાં છે. 2020માં થયેલા એક રિસર્ચ અનુસાર, ભારત (India)માં કેન્સરના નવા કિસ્સાઓ 2040 સુધીમાં 21 લાખ સુધી પહોંચે એવું અનુમાન છે. ખાસ કરીને, આપણા દેશના યુવાનોમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. કેન્સર એક ખતરનાક બીમારી છે અને ‘હૅડ એન્ડ નૅક કેન્સર’ (Head and Neck Cancer) ભારતમાં સામાન્ય રીતે જોવા મળતા કેન્સરો પૈકીનું એક છે. તો ચાલો જાણીએ, એના લક્ષણો અને કારણો વિશે વિસ્તૃત રીતે…
માથા અને ગરદનનું કેન્સર
આ કેન્સર વિશે હજુ પણ ઘણા લોકો અજાણ છે. માથા અને ગરદનના કેન્સરના ઘણા પ્રકાર છે, જે શરીરના ઉપરના હિસ્સામાં જેમ કે, મોં, ગળું, નાક, જડબા, થાયરોઇડ ગ્રંથિ, સ્વર યંત્ર વગેરેમાં થનારા કેન્સર નો સમાવેશ થાય છે.

માથા અને ગરદનના કેન્સરના મુખ્ય કારણો
ભારતમાં, યુવાપેઢી (Youngsters) માથા અને ગરદનના કેન્સરનો દિન-પ્રતિદિન શિકાર બનતી જઇ રહી છે, જેમાં તમાકુ, ગુટખા, દારુ (Tobacco and Alcohol) તથા અયોગ્ય જીવનશૈલી (Bad Lifestyle)ને તેના પ્રમુખ કારણો માનવામાં આવે છે. આ જ કારણ છે કે, ‘હૅડ એન્ડ નૅક કેન્સર’ ના કિસ્સાઓ ભારતમાં ઝડપભેર વધી રહ્યાં છે.
તમાકુ કે ગુટખા ચાવવા
દારુનું સેવન કરવું
HPV વાયરસ સંક્રમણ
ખરાબ ઓરલ હાઇજીન
લાંબો સમય આકરા તાપમાં રહેવું
પ્રદૂષણ અને કેમિકલ એક્સપોઝર
માથા અને ગરદનના કેન્સરના લક્ષણો
દરેક કેન્સરના જુદા-જુદા લક્ષણો હોય છે. માથા અને ગરદનનું કેન્સર શરીરના ઉપરના ભાગને પ્રભાવિત કરે છે આથી, શરીરના ઉર્ધ્વ ભાગના અંગોમાં એના લક્ષણો નજરે ચડે છે જેવા કે, ગળામાં ગાંઠ અથવા તો સોજો રહેવો, અવાજ બદલાઇ જવો, ગળું બેસી જવું, કાનમાં સતત દુ:ખાવો થવો, જીભ પર ઘા થાય તો ઝડપથી રુઝ ન આવવી, જમતી વખતે ખાવાનું ગળે ઉતારતા અત્યંત પીડા થવી વગેરે વગેરે…આ ઉપરાંત, ડાયેટિંગ કર્યા વિના અચાનક વજન ઘટવા લાગવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી આ બધા લક્ષણો પણ ‘હૅડ એન્ડ નૅક કેન્સર’ હોવાની સંભાવનાઓ વ્યક્ત કરે છે.
યુવાપેઢી કેમ આનો શિકાર બની રહી છે?
આજકાલ યુવાનો અને કિશોરોની જીવનશૈલી ઘણી અનિયમિત બની ગઇ છે. ખાન-પાનના ખરાબ ટેવો જેવી કે, કવેળાએ જમવું તથા બહારનું જંક ફૂડ ખાવું, નાની ઉંમરમાં સ્ટ્રેસ અને અનહૅલ્ધી લાઇફસ્ટાઇલ આની પાછળ રહેલા કારણો છે. આવો જાણીએ કે આવી કુટેવો હોવા ઉપરાંત, શેને લીધે ‘હૅડ એન્ડ નૅક કેન્સર’ ના કિસ્સાઓ ભારતમાં સૌથી વધુ ઝડપે વધી રહ્યાં છે.

1. તમાકુ અને દારુની લત
માથા અને ગરદનના કેન્સરના મુખ્ય કારણો પૈકીનું એક મોટું કારણ આ લત છે. તમાકુસેવન, ગુટખા અને પાન ચાવવાને લીધે, ખાસ કરીને આનું ચલણ નાની વયના લોકોમાં વધુ જોવા મળે છે. વળી, આજકાલ ફક્ત પુરુષો જ નહિં પરંતુ, મહિલાઓમાં પણ સ્મોકિંગની આદત પહેલા કરતા વધી છે જેથી પુરુષો અને સ્ત્રીઓ, તમામમાં આ કેન્સરનું જોખમ વધ્યું છે.
2. HPV સંક્રમણ
ભારતમાં એચપીવી HPV સાથે જોડાયેલા ગળાના કેન્સરના કિસ્સાઓ વધી રહ્યાં છે, જેણે એક મોટું જોખમ ઊભું કર્યું છે. હ્યુમન પેપિલોમા વાયરસ એ યૌન સંચારિત વાઇરસ (Sexually Transmitted Virus) છે જે ઓરલ સેક્સ (Oral Sex) દ્વારા ફેલાય છે અને મોટાભાગે આ પ્રકારનું કેન્સર ગળામાં, જીભની પાછળ કે પછી ટૉન્સિલ્સ (Tonsils)ના ભાગે થતું હોય છે.

3. ઈ-સિગરેટ તથા વેપિંગની કુટેવ
હવેની યુવાપેઢીમાં સ્મોકિંગની જગ્યાએ વેપિંગ કરવાનું ચલણ વધી ગયું છે. આ ઈલેક્ટ્રોનિક સિગરેટ અથવા તો એક એવું ડિવાઇઝ વાપરવાની રીત છે જેમાં લોકો નિકોટીન કે કેમિકલની વરાળનું સેવન કરે છે. ભલે આ વાસ્તવિક રીતે સિગરેટ કરતા ઓછું હાનિકારક હોવાના દાવા કરાય છે પણ આમ કરવાથી શરીરમાં એવા કેમિકલ્સ પ્રવેશે છે જે ફેફસાં અને મગજને નુકસાન પહોંચાડી શકે છે.
4. પ્રદૂષણ અને કેમિકલયુક્ત વાતાવરણ
ગ્રામીણ વિસ્તારો કરતા શહેરોમાં વાતાવરણના પ્રદૂષણ, ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ અને વાહનોના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી પણ માથા અને ગરદનનું કેન્સર થવાની સંભાવનાઓ વધી ગઇ છે.

5. માઉથ હાઇજીનની અવહેલના
યૌન સંચારિત વાઇરસ ઉપરાંત, માઉથ હાઇજીનના અભાવે માથા અને ગરદનનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આમાં દાંતના રોગો પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાથી અને મોંની સફાઇ બરાબર ન થવાથી પણ વિશેષ કરીને, જે વ્યક્તિઓ ધુમ્રપાન અને દારુ પીવાની આદત ધરાવતી હોય એમને આ કેન્સરનું જોખમ વધી શકે છે.
કેવી રીતે ટાળશો જોખમ?
દારુ અને તમાકુ બંધ કરીને ગળા અને મગજના કેન્સરને તમે પૂર્ણ રીતે અટકાવી શકો નહિં પરંતુ, ધુમ્રપાન અને દારુનું સેવન બંધ કરીને એની અસરને ચોક્કસપણે તમે ઓછી કરી શકો છો. ગળા અને મગજના કેન્સરથી રક્ષણ મેળવવા માટે તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
1. દારુ તથા તમાકુ અને ગુટખાનું સેવન ન કરવું જોઇએ
2. ઓરલ હાઇજીનનું ધ્યાન રાખવું જોઇએ.
3. દાંત અને મોંની નિયમિત રીતે તબીબી તપાસ કરાવવી જોઇએ.
4. તંદુરસ્ત જીવનશૈલી તથા આહાર અપનાવવો જોઇએ.
5. HPV વેક્સિન લેવી અતિ આવશ્યક છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
આ પણ વાંચો:ખાલી પેટે કાચું લસણ ખાવાથી ઘણા બધા જબરદસ્ત ફાયદા થાય છે, મોંઘી દવાઓ પણ બિનઅસરકારક થશે
આ પણ વાંચો:મોટા આંતરડાના કેન્સરના 7 ખતરનાક સંકેતો, સમયસર કરો પરખ, નહિં તો વધશે જીવનું જોખમ!
