Gandhinagar News : વિધાનસભા ગૃહમાં વર્ષ 2026-27 માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે આ વર્ષે આરોગ્ય(Health)ના બજેટ (Budget)માં નોંધપાત્ર 8.63 ટકાનો નોંધપાત્ર વધારો કરીને આ વર્ષે કુલ રૂ. 25,403.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે રાજ્યના દરેક નાગરિકના આરોગ્યની ચિંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આ સરકાર કરી રહી છે.

જાહેર આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓના સુદૃઢીકરણ પર ભાર મૂકતા આરોગ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હાલ 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1539 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 353સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. છેવાડાના માનવીને ઘરઆંગણે નિદાન મળે તે માટે ‘મુખ્યમંત્રી નિદાન યોજના’ અંતર્ગત નિઃશુલ્ક લેબ ટેસ્ટની સંખ્યા 71 થી વધારીને 134 કરવાની કામગીરી પ્રગતિમાં છે. વધુમાં, ગરીબલક્ષી વિસ્તારો માટે 132 મોબાઈલ હેલ્થ કેર યુનિટ્સ કાર્યરત છે.
આ જ પ્રકારે, પરિવાર કલ્યાણ પ્રભાગ માટે રૂ. 5733.01 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત સગર્ભા માતાઓની સંભાળ માટે નવી 250 ‘ખિલખિલાટ’ વાન ખરીદવા રૂ. 15.62 કરોડ ફાળવાયા છે. માતા મૃત્યુ અને બાળ મૃત્યુદર ઘટાડવા ‘નમોશ્રી યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને રૂ. 12,000ની સહાય આપવામાં આવે છે, જેનો લાભ આ વર્ષે 3.95 લાખ બહેનોને મળશે.
રાજ્યના નાગરિકોને કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ 5000 દર્દીઓને નિઃશુલ્ક સેવા અપાય છે. આ સેવાને વધુ મજબૂત કરવા નવી 71 એમ્બ્યુલન્સ વાન રિપ્લેસમેન્ટથી પૂરી પાડવામાં આવશે.
આરોગ્યમંત્રીએ કહ્યું કે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેશલેસ સારવારની રકમ વધારીને રૂ.10લાખ કરવામાં આવી છે. જ્યારે વિવિધ 2300 જેટલી પ્રોસિઝર્સ આવરી લેવામાં આવી છે. જેમાં 2.73 કરોડ જેટલા નાગરિકોને સમાવવામાં આવ્યા છે. આ માટે કુલ રૂ.3471.78 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે તબીબી શિક્ષણ માટે રૂ. 9877.16 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 41થી વધીને 43 થઈ છે અને એમ.બી.બી.એસ.ની બેઠકો 7525 સુધી પહોંચી છે.

આરોગ્યમંત્રીએ ઉમેર્યું કે અમદાવાદ-વસઈ અને સુરત-કામરેજ ખાતે ‘મેડિસિટી’ સ્થાપવાનું આયોજન છે. જેમાં 1500 બેડની બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત કાર્ડિયાક, કિડની અને કેન્સરની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતો માટે વિશ્વકક્ષાની સુવિધા મળશે અને મેડિકલ ટૂરિઝમને વેગ મળશે.
રાજ્યમાં ટીબી નિર્મૂલન માટે ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળની માસિક સહાય રૂ. 500 થી વધારીને રૂ. 1000 કરવામાં આવી છે. કેન્સર અને હૃદય રોગની સારવાર માટે સોલા, પોરબંદર અને અન્ય સ્થળોએ સેટેલાઈટ સેન્ટરો અને રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2026-27ના બજેટ (Budget)માં આરોગ્ય (Health)અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી અન્ય કેટલીક મહત્ત્વની જોગવાઈ આ મુજબ છે:
•નવી મેડીસીટીનું નિર્માણ: અમદાવાદ (વસઈ) અને સુરત (કામરેજ) ખાતે રૂ. 2500 કરોડના ખર્ચે મેડિસિટી પ્રોજેક્ટનું આયોજન
•IVF સેન્ટરોનું વિસ્તરણ: અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગરમાં સરકારી સહયોગથી IVF સેવાઓ અને લેબ શરૂ કરાશે.
•નવા સ્પેશ્યલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU): નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા માટે નવા 09 SNCU કેન્દ્રોની સ્થાપના.
•રિહેબિલિટેશન સેન્ટર: અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો અને સ્પોર્ટ્સ ઈન્જરી માટે અત્યાધુનિક રિહેબિલિટેશન સેન્ટરનું બાંધકામ.
•પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટનો કાયાકલ્પ: જૂના બિલ્ડીંગને બદલે રૂ. 360 કરોડના ખર્ચે 12માળની 1000 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ.
•નવા રેડિયોથેરાપી સેન્ટરો: પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી સુવિધા.
•આયુષ કચેરીઓ: વાવ-થરાદ, બોટાદ અને પોરબંદર ખાતે નવી જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીઓ કાર્યરત કરાશે.
•ડાયાલિસિસ સુવિધા: 282 સેન્ટરોમાં જૂના મશીન બદલવા અને નવા 113 ડાયાલિસિસ મશીનો વસાવવા માટે રૂ. 10.17 કરોડની ફાળવણી.
આમ, વિધાનસભા ગૃહમાં વર્ષ 2026-27ની આરોગ્ય (Health)અને પરિવાર કલ્યાણની કુલ રૂ. 25,403.23 કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી હતી.
