Gujarat Gram Vikas Budget 2026-27: ગુજરાતના ગ્રામીણ વિકાસને નવી ગતિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹5,479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં ₹779 કરોડનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ પત્રકાર પરિષદમાં આ ઐતિહાસિક જોગવાઈઓની વિગતો આપી હતી.
Gram Vikas Budget: ઘરના સપના થશે સાકાર
ગામડામાં વસતા ગરીબ પરિવારો માટે આવાસ યોજનામાં સરકારે ઉદારતા દાખવી છે, જેના માટે બજેટમાં કુલ 1,755 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ યોજના હેઠળ આવાસના રૂફ કાસ્ટ લેવલ (છત ભરવા સુધીના સ્તર) પર પહોંચેલા 18,000 લાભાર્થીઓને વધુ મદદ મળી રહે તે માટે 50,000 ની વધારાની વિશેષ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે અલગથી 90 કરોડની જોગવાઈ કરાઈ છે. આ નવા ફેરફારો બાદ હવે આદિજાતિ લાભાર્થીને કુલ 2,72,820 અને બિન-આદિજાતિ લાભાર્થીને 2,32,920 ની માતબર સહાય ઘર બનાવવા માટે મળશે.

રોજગારીની ગેરંટી વધી
ગ્રામીણ શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે સરકારે મનરેગા યોજના અંતર્ગત મહત્વની જાહેરાતો કરી છે, જેના માટે બજેટમાં 1500 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. હવે શ્રમિકોને અત્યાર સુધી મળતી 100 દિવસની રોજગારીના બદલે વર્ષમાં કુલ 125 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ કારણોસર શ્રમિકને નિર્ધારિત સમયમાં કામ પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ જશે, તો નિયમ મુજબ શ્રમિકોને બેરોજગારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે, જેથી તેમની આજીવિકા જળવાઈ રહે.
ગામડામાં ગંદા પાણીનો નિકાલ
ગામડાઓમાં પણ હવે શહેર જેવી આધુનિક ડ્રેનેજ અને સફાઈ વ્યવસ્થા જોવા મળશે, જેના માટે સરકારે ‘પ્રવાહી કચરા વ્યવસ્થાપન’ હેઠળ 50 કરોડની નવી જોગવાઈ કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના 400 ગામોમાં એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ (End Drain Treatment) પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેની મદદથી ગામના ગંદા પાણીનું યોગ્ય રીતે શુદ્ધિકરણ કરી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનું સ્તર ઊંચું આવશે.
‘લખપતિ દીદી’ અને ‘ગ્રામ હાટ’
મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે બજેટમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ‘લખપતિ દીદી યોજના’ હેઠળ 10,000 અનુભવી મહિલાઓને તેમના વ્યવસાયના વિસ્તરણ, ખાસ કરીને પેકેજિંગ અને માર્કેટિંગ માટે 48 કરોડની સહાય પૂરી પાડવામાં આવશે. સ્વ-સહાય જૂથની મહિલાઓને તેમની પ્રોડક્ટ્સના વેચાણ માટે કાયમી પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી મોટા શહેરો અને પ્રવાસન સ્થળોએ 20 કરોડના ખર્ચે ‘ગ્રામ હાટ’ની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત, સખી મંડળની પ્રોડક્ટ્સને આધુનિક સમય મુજબ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચવા માટે પણ ₹25૫ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આ બજેટ જોગવાઈઓ દર્શાવે છે કે સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓની સાથે સાથે લોકોની આજીવિકા મજબૂત કરવા માટે મક્કમ છે. પત્રકાર પરિષદમાં મંત્રી સંજયસિંહ મહીડા અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
