Gujarat News/ ગુજરાત શિક્ષણ વિભાગનું ₹63,184 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર, 1141 વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી

ગુજરાત સરકારનું શિક્ષણ Budget જાહેર. 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી, 16 નવી સરકારી કોલેજો અને 11 લાખ દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત.

Gujarat Gujarat Budget 2025-26 Top Stories Others
Gujarat Education Budget 2026-27

Gujarat Education Budget 2026-27: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વર્ષ 2026-27 માટે ₹63,184 કરોડની માતબર જોગવાઈ કરી છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિધાનસભામાં શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી, જેમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.

1141 વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી

ખેલ મહાકુંભ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 500થી વધુ છે, ત્યાં 1141 વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક કરવામાં આવશે. આ નિર્ણયથી પીટી (PT) શિક્ષકોની ભરતીની રાહ જોતા યુવાનોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

દીકરીઓ માટે ‘નમો લક્ષ્મી’ અને વિજ્ઞાનના છાત્રો માટે ‘નમો સરસ્વતી’

નમો લક્ષ્મી યોજના: કન્યા કેળવણીને વેગ આપવા 11 લાખથી વધુ દીકરીઓ માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે.

નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે.

16 નવી કોલેજો અને 25 ‘આદર્શ કોલેજો’

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું માળખું વધુ મજબૂત અને સુદ્રઢ કરવા માટે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે, જે અંતર્ગત વર્ષ 2026-27 થી રાજ્યમાં કુલ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલમાં કાર્યરત ૨૫ સરકારી કોલેજોને તમામ સુવિધાઓથી સજ્જ ‘આદર્શ કોલેજ’ તરીકે વિકસાવવા માટે 50 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) હેઠળ 1.10 લાખ વિદ્યાર્થીઓને કુલ 400 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ કોઈપણ અવરોધ વગર પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શકે.

Education Budget: ઐતિહાસિક કોલેજોનું રિસ્ટોરેશન

અમદાવાદની એલ.ડી. ઈજનેરી કોલેજમાં સંશોધન અને વિદ્યાર્થીઓની સુવિધાને વેગ આપવા માટે નવા ‘રિસર્ચ પાર્ક’ અને બોયઝ હોસ્ટેલના નિર્માણ પાછળ 102 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે જ મોરબીની ઐતિહાસિક એલ.ઈ. કોલેજમાં તેના ભવ્ય હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન (નવીનીકરણ) અને અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવા માટે 35 કરોડની વિશેષ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે, જેથી આ શૈક્ષણિક સંસ્થાઓની જૂની ભવ્યતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને આધુનિક સાધનો મળે.

આદિજાતિ વિસ્તારો અને NCC એકેડેમી

આદિજાતિ વિસ્તારોમાં ધોરણ-11 ના નવા 50 વર્ગો શરૂ કરાશે. રાજકોટમાં નવી NCC એકેડેમી માટે ₹30.79 કરોડ અને આણંદમાં ‘NCC નગર’ વિકસાવવામાં આવશે.

માળખાકીય સુવિધાઓનો વિકાસ

રાજ્યમાં 48,013 નવા વર્ગખંડોના નિર્માણ માટે 8202 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાળાઓને ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લેબથી સજ્જ કરવામાં આવી રહી છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 1995માં જે ડ્રોપ આઉટ રેશિયો 51.22 ટકા હતો, તે હવે ઘટીને માત્ર 2.35 ટકા રહી ગયો છે, જે ગુજરાતના શિક્ષણની મોટી સિદ્ધિ છે.


આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, સામાન્ય વહીવટી વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ