Gujarat News : ગુજરાતમાં વાહકજન્ય રોગ (Vector Borne Diseases)ના નિયત્રંણ અને નાબુદી માટે તકેદારીના વિશેષ પગલાં લેવાનો અનુરોધ રાજ્યના આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણે કર્યો છે. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં NHM ભવન ખાતે ઈન્ટર-સૅક્ટરલ કૉ-ઓર્ડિનેશન બેઠકના અધ્યક્ષસ્થાનેથી વિવિધ વિભાગોને નિર્દેશ આપતા આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવરે જણાવ્યું હતું કે, વાહકજન્ય રોગ અટકાવવા એ આપણી સહિયારી જવાબદારી છે.

આરોગ્ય કમિશનર(ગ્રામ્ય)(Health Commissioner)એ તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ ન રહે તે સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપી હતી. તેમણે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવતા પરપ્રાંતીય શ્રમિકોની ફરજિયાત નોંધણી કરી નજીકના આરોગ્ય- કેન્દ્ર (Health Department)ને જાણ કરવા માટે પણ તાકીદ કરી હતી. કમિશનરશ્રીએ તમામ શાળાઓ અને આંગણવાડીઓની આસપાસ સફાઈ રાખવા તેમ જ શાળાના બાળકો અને વાલીઓ સુધી મચ્છરજન્ય રોગોથી બચવાના જાગૃતિ સંદેશા પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં વર્ષ 2030 સુધીમાં વાહકજન્ય રોગોના ‘શૂન્ય સ્થાનિક કેસ’ (Zero Indigenous Cases) ના લક્ષ્યાંક સાથે કામગીરી કરવામાં આવી રહી છે.આ સઘન કામગીરીના કારણે હાલ રાજ્યના 7 જિલ્લાઓ સંપૂર્ણપણે કેસમુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ગત વર્ષના જૂન માસમાં નોંધાયેલા 264 કેસોની સામે ચાલુ વર્ષે જૂન મહિનામાં માત્ર 129 કેસ જ નોંધાયા છે, જે કેસમાં મોટો ઘટાડો દર્શાવે છે. જો કે, જુલાઈથી નવેમ્બર દરમિયાન ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો (Mosquito-Borne Diseases)નો ઉપદ્રવ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સર્વેલન્સની કામગીરી વધુ ગતિમાન બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા.
