Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને ચૂંટણી તારીખ નજીક આવે તેમ-તેમ રાજકીય પારો વધવાની સાથે ગરમીનો પારો પણ વધતો જાય છે. તેના કારણે બપોરે તો રસ્તા અને વિસ્તારો પણ સૂના પડી જાય છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો મટે ભરબપોરે પ્રચાર કરવો પણ અઘરો થઈ પડ્યો છે. મોટાભાગે પ્રચાર થતો જ નથી.
આફતને અવસરમાં પલટવાની શાસક પક્ષની માનસિકતાનો આ વખતે વિપક્ષ કોંગ્રેસે ઉપયોગ કર્યો છે. તેમણે અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં નવો જ પ્રચાર અભિગમ અપનાવતા બપોરનો કે દિવસનો પ્રચાર ટાળ્યો છે અને રાતના ખાટલા બેઠકો યોજવાનું ચાલુ કર્યુ છે. અમદાવાદમાં ચા-નાસ્તા સાથેની કોંગ્રેસની ખાટલા બેઠકોની ચર્ચા આખા વોર્ડમાં ચારેકોર છે.
ઘણા લોકોએ જણાવ્યું હતું કે ચૂંટણી ભરઉનાળામાં રાખવામાં આવી છે ત્યારે ચૂંટણીપ્રચારની આ આગવી રીતનો કોંગ્રેસે બીજે બધે પણ ઉપયોગ કરવો જોઈએ. અમદાવાદના એક કે બે વોર્ડ પૂરતો સીમિત ન રાખવો જોઈએ. કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં આ પ્રકારે ખાટલા બેઠકો યોજીને પ્રચાર ક્યો હતો. કોંગ્રેસે અપનાવેલા આ પ્રચારના શસ્ત્રનો હવે શાસક પક્ષ પણ ઉપયોગ કરે તો નવાઈ નહીં લાગે.
પ્રચાર પૂરો થવાને હજી વાર છે ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારો સુધીની તેમની પહોંચનો વ્યાપ દર્શાવવા માટે એડીચોટીનું જોર લગાવી શકે છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ મોટાપાયે ઉમેદવારો ઉતાર્યા છે. આમ આમ આદમી પાર્ટીને પહેલી જ વખત સ્થાનિક સ્તરે તેનું રાજકીય પાણી માપવાની તક પણ મળશે. આ ચૂંટણીને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વેની સેમી ફાઇનલ માનવામાં આવે છે. આના પરિણામ શાસક પક્ષ અને વિપક્ષ બંનેને તેનું માપ બતાવી દેશે તેમ મનાય છે.
