Morbi: મોરબીમાં કમોસમી વરસાદના લીધે રાજપર ગામે (Rajpur Village) ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. નવરાત્રિ બાદ પડેલા વરસાદે પાકને ભારે નુકસાન કર્યુ છે. મગફળી, કપાસ, કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે.
રાજ્યમાં દસ હજાર હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકારની પરિસ્થિતિ પર ચાંપતી નજર છે. સરકાર ખેડૂતોની સાથે છે. અમે ખેડૂતોની સ્થિતિ પર વિચારણા કરીશું. ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે તેમને ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનના સંદર્ભમાં વિવિધ ધારાસભ્યોના પત્રો પણ મળ્યા છે. સરકાર બધા જ ખેડૂતોને ન્યાય મળશે તે જોશે. ખેડૂતોને થયેલા નુકસાન વળતર અંગે સરવે કરીને નિર્ણય લેવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં ગમે ત્યારે પાક નુકસાની સહાય પેકેજની જાહેરાત કરી શકે તેમ છે.
તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની બેલી છે અને હંમેશા ખેડૂતના હિતની સતત ચિંતા કરતી આવી છે. તેથી રાજ્ય સરકારના ધ્યાન પર ખેડૂતોને થયેલા નુકસાનની બાબત છે જ. વરસાદ રોકાશે તરત જ સરકાર ટૂંકમાં જ પાક સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. તેથી ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી. કુદરત ભલે રુઠી, પણ સરકાર રુઠી નથી. સરકાર તેમની સાથે જ છે.
આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે
આ પણ વાંચો: ખેડૂતોને રાહતઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો પ્રારંભ
