મોસ્કો
ભારત અને બેલ્જીયમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં રમાયેલ રાઉન્ડ રોબિન મુકાબલો ૧-૧ થી ડ્રો રહ્યો. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં જ સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ બેલ્જીયમના દબાણના પગલે તેણે ૫૯મી મિનિટમાં સરસાઈ ગુમાવી દીધી હતી. મેચમાં ગોલકીપર પીઆર શ્રીજેશનુ પ્રદર્શન સારુ રહ્યું જેણે વિપક્ષી ટીમને ૧૨માંથી માત્ર એક વખત પેનલ્ટી કોર્નર પર ગોલ આપ્યો. હરમનપ્રિતસિંહે ૧૦મી મિનિટમાં જ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને ૧-૦ની સરસાઈ અપાવી.
ત્યારબાદ હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૦ થી ભારતીય ટીમના પક્ષમાં રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં બન્ને ટીમોએ પ્રયત્નો કર્યા પરંતુ સફળતા કોઈને પણ ન મળી. મેચ પૂર્ણ થયાની થોડી મિનિટો પહેલા જ ભારતીય ટીમ જીતની નજીક પહોંચી હતી ત્યારે બેલ્જીયમમાં લોઈક લુપેર્ટે ૫૯મી મિનિટમાં ગોલ કરીને સ્કોર ૧-૧ ની બરાબરી પર લાવી દીધો.
ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભારત હજી પણ ફાઈનલમાં પહોંચવાની રેસમાં યથાવત છે. તેનો આગામી મુકાબલો આવતીકાલે નેધરલેન્ડ સામે થશે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં આ પહેલા પાકિસ્તાનને ૪-૦ થી હરાવ્યુ હતું, જ્યારે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૨-૧ થી હરાવ્યુ હતું, પરંતુ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ભારતને ૨-૩ થી હારનો સામનો કરવો પડ્યો હતો.
