Madhya Pradesh News: મધ્યપ્રદેશના (Madhya Pradesh) મૌગંજ જિલ્લાના શાહપુર વિસ્તારમાં એક આદિવાસી યુવકના (Tribal youth) મોતને (Death) લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થતાં હંગામો મચી ગયો હતો. આ દરમિયાન પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ASI રામચરણ ગૌતમનું મોત થયું હતું, જ્યારે સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે આરોપીઓએ પોલીસકર્મીઓને બંધક બનાવી લીધા, ત્યારપછી ભારે પોલીસ બળને સ્થળ પર તૈનાત કરવું પડ્યું.
મળતી માહિતી મુજબ, ગદરા ગામ જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર છે. ત્યાં કોલ જનજાતિના કેટલાક લોકોએ સની દ્વિવેદી નામના યુવકનું અપહરણ કર્યું હતું. તેનો આરોપ હતો કે તેણે બે મહિના પહેલા આદિવાસી યુવક અશોક કુમારની હત્યા કરી હતી. જો કે, પોલીસ રેકોર્ડ મુજબ, અશોક કુમારનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું.
શનિવારે, જ્યારે પોલીસને સન્ની દ્વિવેદીના અપહરણની માહિતી મળી, ત્યારે શાહપુર પોલીસ સ્ટેશનના પ્રભારી સંદીપ ભારતીયની આગેવાની હેઠળ પોલીસ ટીમ તેને છોડાવવા ગામમાં પહોંચી, પરંતુ પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં, સની દ્વિવેદીને કથિત રીતે એક રૂમમાં બંધક બનાવીને ખૂબ મારવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.

ઘટનાની માહિતી મળતા જ શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ ભારતીય ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે રૂમનો દરવાજો ખોલ્યો તો સન્ની દ્વિવેદી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દરમિયાન પોલીસે બે આરોપીઓની અટકાયત કરી હતી, પરંતુ જેવી પોલીસ ટીમ સ્થળ પરથી જવા લાગી ત્યારે ગ્રામજનોએ પોલીસ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.
આ હુમલા દરમિયાન ASI રામચરણ ગૌતમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ ભારતીય, તહસીલદાર કુંવર લાલ પાણિકા, ASI બૃહસ્પતિ પટેલ, SDOP રીડર અંકિત શુક્લા, 25મી બટાલિયનના જવાહર સિંહ યાદવ સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રીવા રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) સાકેત પાંડેએ જણાવ્યું કે આ હિંસામાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરી છે.
મૌગંજ કલેક્ટર અજય શ્રીવાસ્તવ અને પોલીસ અધિક્ષક (એસપી) રચના ઠાકુરે એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેમણે સ્થાનિક લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ અને વહીવટીતંત્રને સહકાર આપવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પ્રશાસને કહ્યું છે કે હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:કોઈ પણ પતિ પત્નીના બીજા પુરુષો સાથે અભદ્ર વાતચીતને સહન ન કરી શકે: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
આ પણ વાંચો:મધ્યપ્રદેશના મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ પથ્થરમારો
આ પણ વાંચો:મધ્યપ્રદેશના સીધીમાં ગોઝારો અકસ્માત, 7નાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં
