Not Set/ બાળકને કઈ રીતે શીખવશો કે જિંદગી જિંદાદિલીનું નામ છે ? હારીને પણ ખુશ રહેવું જરૂરી છે.

દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માંગે છે. પરંતુ સાથે સાથે દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મળે તો જ ખુશ થાય છે. તેની બદલે દરેક પરિસ્થિતિમાં ખુશ થઈ જાઓ અને પછી સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ

Lifestyle Relationships

માતૃત્વ : ભાવિની વસાણી

દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માંગે છે. પરંતુ સાથે સાથે દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મળે તો જ ખુશ થાય છે. તેની બદલે દરેક પરિસ્થિતિમાં ખુશ થઈ જાઓ અને પછી સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ રહો તે જરૂરી છે.નાની અમથી નિષ્ફળતામાં નાસીપાસ થતા હજારો લોકો આસપાસ નજરે પડે છે. વર્તમાન સમયમાં માતા-પિતા પોતે વિવિધ પડકારનો સામનો કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં ધંધા કે વ્યવસાયના સ્થળ પર માનસિક સંતુલન જાળવનાર વ્યક્તિ ઘરમાં આવતા જ ભડકી ઊઠે છે. ભૂકંપમાં એક ઝટકો આવ્યા પછી જેમ આફ્ટરશોક આવે છે. એમ દરેક વ્યક્તિના જીવનમાં પણ કોઈ ઘટના પછી આફ્ટરશોક આવે છે, અને તેનો ભોગ પરિવારજનો બને છે, તેમાંથી બાળક પણ બાકાત રહી શકતા નથી. માતા-પિતા પોતે જ તનાવમાં હશેતો બાળકને કેમ શીખવશે કે જિંદાદિલ કેમ રહેવું ?

આપણા વડવાઓ ભણેલા ન હતા પરંતુ ગણેલા હતા. કેટલીયે કહાવતો જીવનમાં આત્મસાત કરી હતી. જે પણ મળે છે તેમાં ખુશ રહેવું, અને પોતાને મળેલા હિસ્સામાંથી પરિવારને વહેંચીને ખાવાનો આનંદ આવતો હતો. આપણે એ સમજવાની જરૂર છે કે આપણી ખુશીને સફળતા અને નિષ્ફળતાની સાથે ન જોડીએ. આજ વસ્તુ બાળકને પણ શીખવવી જરૂરી છે. બાળકને શીખવવું જરૂરી છે કે… ખુશી માત્ર જીતમાં નથી હોતી, ક્યારેક હારીને પણ ખુશ થવું જરૂરી છે. પરંતુ આ ત્યારે જ શીખવી જ શકાશે જ્યારે માતા-પિતા પોતે આત્મસાત કરી શકશે, તમે જે વાવશો તે જ લણવાનો વારો આવશે. તો ચાલો જાણીએ બાળકને ઝિંદાદિલીના પાઠ કઈ રીતે ભણાવશો.

* સૌપ્રથમ વર્તમાન પરિસ્થિતિ મુજબ પોતાની જાતને ઢાળો, આ પરિસ્થિતિમાં તમારી પાસે રહેલી ઉજળી સંભાવનાની યાદી બનાવો, નિષ્ફળતા તરફથી ધ્યાન હટાવી અને પરિવાર સાથે નાની-નાની બાબતમાં ખુશી મેળવો અને વહેંચો.

* કપરી પરિસ્થિતિની વચ્ચે માતા-પિતાનું માનસિક સંતુલન બગડવાથી બાળકો પર વિપરીત અસર પડી શકે છે. માટે તમે સૌપ્રથમ દરેક પરિસ્થિતિમાં ખુશ થતા શીખી જાઓ, અને જો ન થઈ શકતું હોય તો તમને ગમતું હોય તેવા કાર્ય કરો અને મનને પ્રફુલ્લિત રાખો.

* બાળકને દુનિયામાં લાવનાર માતા-પિતા એ બાબત ભૂલી જાય છે કે બાળક તમારી પ્રાથમિકતા છે, તમારી જવાબદારી છે, પરંતુ આ ભૂલના કારણે તમારું બાળક એક કચરાપેટી ન બની જાય કે જેમાં માત્ર તમે તમારી મુશ્કેલીઓ અને તનાવ જ ઠાલવતા હોય.

* બાળકની હાજરીમાં ઝઘડો કે ગુસ્સો ન કરાય, પરંતુ જ્યારે તમારો ચહેરો ઉદાસ હોય કે તમારા પર તનાવ હાવી થયેલો હોય ત્યારે બાળક સમજી જતું હોય છે. આવા સંજોગોમાં સીધી રીતે બાળક સાથે વાત ન કરી શકો ત્યારે આડકતરી રીતે કે પછી અન્યની વાર્તા દ્વારા તમે તેના ગળે ઉતરાવી શકો છો.

* નાની-નાની બાબતમાં ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ થઈ જાવ, આપણે અન્ય લોકોની સાથે આપણી સરખામણી કરીશું તો આપણી મુશ્કેલી ખૂબ જ ઓછી લાગશે માટે ઈશ્વર કે કુદરતનો ઉપકાર માનવો જોઈએ કે આપણને બીજા કરતાં સારી પરિસ્થિતિમાં રાખ્યા છે. આ બાબતને બાળક સમક્ષ રમત-રમતમાં કે પછી વાર્તા દ્વારા શીખવો અને તેના સૂક્ષ્મ મગજમાં કૃતજ્ઞતાના બીજ પણ રોપો.

* ઘણી વખત માતા-પિતા ઘરમાં પોતાના ઓફિસની કે ધંધાની મુશ્કેલીઓ શેર ન કરતા હોય, બાળકને વાસ્તવિકતાની જાણ હોતી નથી તે પણ યોગ્ય નથી. જે વર્તમાન સમયની સૌથી મોટી પડકાર જન્ય પરિસ્થિતિ છે તે વિશે બાળકને પણ વાકેફ કરવું જરૂરી છે. બસ આ જાણ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે.

* કોઈપણ વાસ્તવિકતાની જાણ કર્યા બાદ તમે આ પરિસ્થિતિમાં પણ ઘરની જવાબદારી સરસ રીતે નિભાવો છો તે બાબત બાળક સામે પ્રસ્થાપિત કરો, જેથી બાળક પણ તમારી પાસે અવાસ્તવિક માગણી કે અપેક્ષા નહીં રાખે. તે પણ તેની ઉંમર મુજબ જવાબદારી ઉપાડતુ થઈ જશે

* બાળક સાથે બેસીને રમત રમો કે રમત નિહાળો, ત્યારબાદ આ રમત પરથી બાળક શું શીખ્યો તેને લગતા પ્રશ્નો તેને પૂછો, અને વાતવાતમાં એ બાબત તેના મગજમાં અંકિત કરી દો કે ઘણી વખત તમે જીતો નહીં એમ પણ બને, તો શું થયું ? દરેક વખતે દરેક ટીમ જીતી શકે નહીં, હાર અને જીતનું ચક્ર ચાલતું હોય છે, એક વખત બીજાની જીત થાય તો બીજી વખત આપણી જીત થાય. આપણે જીતવા માટે પુરુષાર્થ કરવાનો છે, પુરુષાર્થ કરવાનું ચૂકવાનું નથી, પરંતુ એક વખત તમે જિંદાદિલીથી રમત રમો પછી બધું ઈશ્વર પર છોડી દેવાનું છે. જીવનમાં પણ આવું જ હોય છે.

* જો બાળક પાંચ વર્ષ કરતા નાનું હોય તો તેને સીધી રીતે કોઈ વાત જણાવવી નહીં પરંતુ બાળવાર્તા દ્વારા બોધ સમજાવવો, બાળક ૬ થી ૧૦ વર્ષનું હોય ત્યારે તેની સાથે રમત રમો અને તેની ઉંમર પ્રમાણેની વાર્તા દ્વારા તેને સમજાવો, બાળક ૧૦ થી ૧૪ વર્ષનો હોય ત્યારે તેને વાસ્તવિક બાબત જણાવવી જોઈએ, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખે તેવા પાઠ શીખવવા જરૂરી છે. ૧૫ વર્ષથી ઉપરના તમામ બાળકોને હંમેશા વાસ્તવિક પાઠ સમજાવવો જોઈએ, કોઈ કાલ્પનિક નહીં બાળકને કહો કે તે ભણવામાં તેનો સંપૂર્ણ પુરુષાર્થ કરે, પછી જીત થાય કે હાર થાય બંને સંજોગોમાં તમે તેની સાથે રહેશો.

* બાળકને સફળ વ્યક્તિના જીવનના વાસ્તવિક સંઘર્ષની પણ વાકેફ કરાવવા જરૂરી છે, મોટા સાઇન્ટીસ્ટ, ક્રિકેટર, એક્ટર કે પછી મ્યુઝિશિયન એમ જ નથી બનાતું, તેના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. એક વખત મુકામ હાંસલ કર્યા પછી પણ ટકવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ માટે અમુક પ્રકારની ફિલ્મો બતાવી શકાય, અમુક વાર્તાઓ કહી શકાય અને બાળકને એ વિશ્વાસ અપાવો કે કદાચ દુનિયા સામે તું પ્રથમ પ્રયત્ને જાતને સાબિત ન કરી શકે તો પણ ચિંતા ન કરીશ, તું અમારા માટે જીતેલો ઉમેદવાર જ છે. અમે તારી જીત હોય કે હાર હોય બંને સંજોગોમાં તારી સાથે રહીશું.

* તમે પણ નાની-નાની બાબતમાં ખુશ થતા રહો, અને એ જ બાળકને પણ શીખવવું કે ખુશ રહેવા માટે હંમેશા મોંઘી કે અપ્રાપ્ય ભૌતિક ચીજ વસ્તુ જ જરૂરી નથી.

* જીવનમાં બાળકને તમે બધું ઉભા મોઢે અપાવો છો ત્યારે તેને વહેંચતા પણ શીખવો. દુનિયામાં ઘણા નિરાધાર લોકો હોય છે તેની સહાયતા કરવા જાવ ત્યારે બાળકને સાથે રાખો, બાળકના હાથે મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની સહાયતા થાય તેવા કાર્ય કરો.

* બાળકને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા શીખવો, પરંતુ પ્રારબ્ધવાદી ન બનાવવો જોઈએ. ઈશ્વર પણ તેમની સહાયતા કરે છે કે જેઓ પુરુષાર્થ કરે છે અને તેની પોતાની જાતમાં અડગ વિશ્વાસ રાખે છે. આ પાઠ શીખવવાનું ચૂકાઈ ન જાય.

* તમારા જીવનના અનુભવ પરથી તમે જે શીખ્યા છો તે બાળકના ગળે કદાચ સીધું નહીં ઉતરે માટે તેને અન્ય લોકોના વાસ્તવિક ઉદાહરણો આપી અને સમજાવો. ત્યારબાદ બાળક તમને સમજશે અને સાંભળશે પણ ખરા.

* જ્યારે બધા દરવાજા બંધ થઇ જાય ત્યારે પણ તમારે ખુશ રહેવાનું છે અને પરિવારને ખુશ રાખવાનો છે, કુદરત કે ઈશ્વરના શરણાગત બની જાવ શ્રદ્ધા કેળવો, યોગ અને ધ્યાન કરો, સંગીત, ચિત્ર કે અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડી મનને પ્રફુલ્લિત રાખો, બાળકોને પણ જોડો ગમે તે થાય પરંતુ પરિવારજનો તેમજ આસપાસના લોકોનો તનાવ દૂર હડસેલી દેવો એ તમારી જવાબદારી છે.