રિલેશનશિપ કૉચ દ્વારા લગ્ન બાદ સંબંધોમાં વધતી જતી ખાઇનું કારણ જણાવવામાં આવ્યું છે. આવો, જાણીશું આ વિશે
લગ્ન એક ખૂબસૂરત બંધન છે, જેમાં બે લોકો ફક્ત સાથે જ નથી રહેતાં, પરંતુ એકબીજાની સાથે જીવનની ખુશીઓ, દુ:ખ, જવાબદારીઓ અને સપના પણ પરસ્પર વહેંચે છે. જો કે, આજના સમયમાં લગ્નો બહુ લાંબો સમય સુધી ટકી શકતા નથી. મહદઅંશે જોવા મળ્યું છે કે લગ્નના થોડા સમય પછી યુગલ વચ્ચે અંતર વધવા લાગે છે અને તેમના સંબંધોમાં ખટાશ વધી જાય છે. કેટલીક વાર લોકો એ સમજી જ નથી શકતા કે બધું જ બરાબર હોવા છતાંયે બંને જણ ખુશ કેમ નથી? જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો આ આર્ટિકલ તમને મદદરુપ થઇ શકે છે.
શું કહે છે ઍક્સપર્ટ્સ?
રિલેશનશિપ કૉચના જણાવ્યાનુસાર, આપણા દેશમાં લગ્નો તૂટવાનું સર્વસામાન્ય અને સૌથી મોટું કારણ છે સસરા પક્ષવાળા! સાંભળવામાં આ વાત વિચિત્ર લાગશે, પરંતુ મોટાભાગના મામલામાં આ વાત સાચી ઠરે છે.
સાસરી પક્ષ વાળા કઇ રીતે બને છે સંબંધ તૂટવાનું કારણ?
પ્રાથમિકતા નિયત ન કરી શકવી
રિલેશનશિપ કૉચ કહે છે કે, લગ્ન પછી દરેક વ્યક્તિના જીવનમાં ઘણો મોટો બદલાવ આવે છે. હવે વ્યક્તિની જવાબદારી ફક્ત એના માતા-પિતા સુધી જ સીમિત ન રહેતા પોતાના જીવનસાથી પ્રત્યે પણ એટલી જ હોય છે. પરંતુ કેટલીયે વાર લોકો આ ફરકને સમજી શકતા નથી અને પહેલાની જેમ જ દરેક બાબતમાં પોતાના મા-બાપની સલાહને જ પ્રાથમિકતા આપે છે. જ્યારે એક પાત્ર કેવળ પોતાના મા-બાપની વાતોને જ ધ્યાનમાં લીધા કરે, કરે, તો આવા સંજોગોમાં બીજા પાત્રને તો એવું જ લાગ્યા કરે છે કે પોતાની વાતો અથવા લાગણીઓનું સામેવાળાને લગીરે મહત્વ નથી. આના કારણે પતિ-પત્નીના સંબંધોમાં ઇમોશનલ ગૅપ ઉદ્ભવે છે.
રુઢિગત માન્યતાઓ અને અપેક્ષાઓ
આટલું ઓછું હોય એમ મોટેભાગે સાસરિયાંની વિચારધારા એવી હોય છે કે નવી આવનારી વધૂ એમની પરંપરાઓને એ જ રીતે નિભાવશે જે રીતે તેઓ નિભાવતા આવ્યા છે! નવવધૂ પૂર્ણપણે આજ્ઞાંકિત હોય, સામો કોઇ જ સવાલ ના કરે અને એણે પોતાની આગવી વિચારધારા પણ ન રાખવી જોઇએ. આવી રુઢ વિચારસરણી રાખવી એ આજના સમયમાં અસંગત છે, કારણ આજે દરેક વ્યક્તિ પોતાની એક આગવી ઓળખ, વિચારધારા અને કાર્યશૈલી ધરાવે છે. આવા સંજોગોમાં જ્યારે નવવધૂને પોતાની વાત કહેવાનો અધિકાર નથી મળતો, ત્યારે એ ધીરે-ધીરે પોતાને સંબંધોથી દૂર કરી દે છએ.
રિલેશનશિપ ઍક્સપર્ટના જણાવ્યાનુસાર, લગ્ન પછી ખુશ રહેવા માટે પતિ-પત્ની ફક્ત પ્રેમ કરે એ જ જરુરી નથી, પરંતુ એમની આસપાસનો માહોલ પણ સહકારયુક્ત હોવો જોઇએ. જો સાસરિયા હસ્તક્ષેપ ન કરે અને યુગલને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની આઝાદી આપે, તો સંબંધો લાંબો સમય આનંદભર્યા બની રહે છે.
