Ahmedabad Ghatlodia IDP School: નિકોલ બાદ હવે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી IDP સ્કૂલનો એક અત્યંત શરમજનક વીડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળાના બે માલિક ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે, વહીવટી તંત્રના કર્મચારીઓએ એક 69 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત મહિલા શિક્ષિકા સાથે અમાનવીય ગેરવર્તણૂક કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ મામલે વીડિયો વાયરલ થતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરી તુરંત એક્શન મોડમાં આવ્યા હતા અને શાળા પર દરોડા પાડીને ગેરવર્તન કરનાર બંને મહિલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આકરો હુકમ કર્યો છે.

Ahmedabad : “ચલ નીકળ, પોલીસને લઈને આવજે…”
પ્રાપ્ત વિગતો અનુસાર, IDP Schoolમાં અગાઉ ફરજ બજાવતા 69 વર્ષીય વૃદ્ધ મહિલા શિક્ષિકા પોતાનું સાચું ‘ટીચિંગ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ’ (અનુભવ પ્રમાણપત્ર) લેવા માટે શાળાએ પહોંચ્યા હતા. જો કે, શાળાના વહીવટીતંત્રે તેમને ટીચિંગના બદલે માત્ર એક્ટિવિટી ટીચરનું ખોટું સર્ટિફિકેટ પધરાવી દીધું હતું. વૃદ્ધાએ જ્યારે પોતાના હકનું સાચું પ્રમાણપત્ર માંગ્યું, ત્યારે શાળાની બે મહિલા કર્મચારીઓ તમામ વિવેક અને મર્યાદા ભૂલીને દાદાગીરી પર ઉતરી આવી હતી.
તેમણે ઉંમરલાયક શિક્ષિકા પર રાડો પાડીને ઊંચા અવાજે ધમકાવતા કહ્યું કે, “કોઈ સર્ટિફિકેટ નહીં મળે, તમે પોલીસને લઈને આવો. આઉટ… ચલ નીકળ… હવે તો પોલીસને લઈને જ આવજો.” વૃદ્ધાએ જ્યારે સભ્યતાથી વાત કરવા વિનંતી કરી, ત્યારે કર્મચારીઓએ હદ વટાવતા કહ્યું કે, “કોઈ સભ્યતા નહીં… નીકળો અમારા કેમ્પસમાંથી બહાર.” એટલું જ નહીં, માજીને જાહેરમાં “સ્ટુપીડ” કહીને સર્ટિફિકેટ આપ્યા વિના જ ધક્કા મારીને કેમ્પસની બહાર કાઢી મૂક્યા હતા.

DEO માટે પણ મુખ્ય દરવાજો બંધ કરી દીધો
આ અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અમદાવાદ DEO રોહિત ચૌધરીએ કડક વલણ અપનાવ્યું હતું. તેઓ તાત્કાલિક શાળાને નોટિસ ફટકારીને પોતે જાતે તપાસ કરવા ઘાટલોડિયા સ્થિત સ્કૂલ પર પહોંચ્યા હતા. પરંતુ આ ખાનગી શાળાની દાદાગીરી એટલી હદે વણસેલી હતી કે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) માટે પણ સ્કૂલનો મુખ્ય લોખંડી દરવાજો બંધ કરી દીધો હતો અને ઉચ્ચ અધિકારીને ગેટ પર રાહ જોવડાવી હતી!
DEO એ જાહેરમાં કર્મચારીઓનો ઉધડો લીધો
ગેટ ખોલાવીને અંદર પ્રવેશેલા DEO રોહિત ચૌધરીએ શાળાના આ અસભ્ય અને ઉદ્ધત વલણ બદલ મેનેજમેન્ટ અને તમામ કર્મચારીઓનો જાહેરમાં આકરા શબ્દોમાં ઉધડો લીધો હતો.
DEO રોહિત ચૌધરીએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: “જે શાળાના કર્મચારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સાથે આવું ઉદ્ધત વર્તન કરતા હોય, તે સામાન્ય વાલીઓ, નિર્દોષ બાળકો અને ઉંમરલાયક વૃદ્ધો સાથે કેવું વર્તન કરતા હશે તે સમજી શકાય છે. શિક્ષણના ધામમાં કોઈપણ વ્યક્તિ સાથે આવું અમાનવીય વર્તન ક્યારેય ચલાવી લેવાય નહીં.”
DEO ની કડક કાર્યવાહી બાદ, પ્રાથમિક પગલાં રૂપે વૃદ્ધ શિક્ષિકા સાથે ગેરવર્તણૂક કરનાર બંને અસભ્ય મહિલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને શાળા સામે આગળની માન્યતા રદ કરવા સુધીની કાનૂની તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
આ પણ વાંચો:સ્કૂલ વેકેશન મુદ્દે વિવાદ, ખાનગી-સરકારી સ્કૂલો આમને સામને
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, 7.31 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે DEOની કડક નોટિસ
આ પણ વાંચો:પહેલા ફી ભરો, પછી પરીક્ષા’ અમદાવાદ વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ, સ્કૂલમાં વાલીઓનો હોબાળો
