Ahmedabad News: ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) એક વખત ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાના નાણાકીય હિસાબોને લઈને ફરી નોટિસ ફટકારવામાં આવી છે અને 3 દિવસની અંદર સંપૂર્ણ વિગતો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Seventh Day School : સમયસર જવાબ ન મળતા તંત્ર કડક
સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ પણ શાળાને હિસાબો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ નક્કી કરેલી સમયમર્યાદામાં જવાબ ન મળતા હવે શિક્ષણ તંત્ર વધુ સખત વલણ અપનાવી રહ્યું છે.
ઓડિટમાં 7.31 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
તપાસ દરમિયાન કરવામાં આવેલા ઓડિટમાં અંદાજે 7.31 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ રકમ કયા હેતુસર ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અંગે સ્પષ્ટતા ન મળતા DEO દ્વારા ફરી કારણ દર્શાવો નોટિસ પાઠવવામાં આવી છે.

ખાનગી કંપનીઓ અને સંસ્થાઓમાં ફંડ ટ્રાન્સફર
જિલ્લા શિક્ષણ તંત્રની તપાસ મુજબ, શાળાએ કેટલીક સંસ્થાઓ અને કંપનીઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ‘સેવન્થ ડે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ’ અને ‘બી.બી.એ. કોલેજ’ ઉપરાંત ‘લર્નિંગ બોર્ડ ઓફ એજ્યુકેશન પ્રા. લિ.’ અને ‘ઈ-મિશન એક્ઝિબિશન પ્રા. લિ.’ જેવી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝેક્શન પાછળનું કારણ અને નિયમસર પ્રક્રિયા અંગે પૂરતી માહિતી રજૂ કરવામાં આવી નથી, જેને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
અગાઉની ઘટનાથી વધ્યો ગંભીરતા
આ સ્કૂલ (Seventh Day School) અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે. ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ સરકાર દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો અને ત્યારથી વિવિધ મુદ્દાઓ પર તપાસ ચાલુ છે.
3 દિવસની અંતિમ સમયમર્યાદા
DEO દ્વારા શાળા (Seventh Day School )ને અંતિમ તકરૂપે 3 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. આ સમયગાળામાં જો શાળા દ્વારા યોગ્ય હિસાબો અને પુરાવાઓ રજૂ નહીં કરવામાં આવે, તો એકતરફી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સમગ્ર મામલો સરકાર સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ: વિદ્યાર્થી પર બ્લેડથી હુમલા બાદ NSUIએ મોડી રાતે તાળાબંધી કરી
