દાળ વધી હોય તો તેને થોડીવાર ઉકાળો. તેમાં રહેલું પાણી બળી જાય એટલે લોટ, મોણ, લીલા મરચાં મીઠું, કોથમીર નાંખીને લોટ બાંધવો. આ લોટના પરોઠાં કે પૂરી બનાવવી.
વધેલી રોટલી તળીને તેનો ભૂકો કરી તેમાં મીઠું મરચું, ધાણાજીરું અને થોડી સાકર નાંખીને રોટલીનો ચેવડો બનાવવો.
ઈડલી વધે તો તેના નાના પીસ કરવા. કડાઈમાં તેલ મૂકી રાઈ અને હંિગનો વઘાર કરી ઈડલી નાંખવી. ઉપરથી લાલ મરચું ભભરાવી થોડીવાર રાખવી. ફ્રાઈડ ઈડલી તૈયાર થઈ જશે.
વધેલી ઈડલીમાંથી ‘કર્ડ ઈડલી’ પણ બનાવી શકાય. આ માટે દહીંને નમક અને સાકર મિક્સ કરી ઝેરવું. તેમાં તેલ, રાઈ, હિંગ, અડદ દાળ અને આખા લાલ મરચાંનો વઘાર કરવો. કાજુ, લીલા મરચાં અને નારિયેળને એક સાથે વાટીને દહીંમાં મિક્સ કરવું. ઈડલીના નાના નાના ટુકડા કરીને દહીં માં મિક્સ કરવા. આ મિશ્રણને અડધા કલાક સુધી ફ્રિજમાં મૂકી રાખવું અને પછી પીરસવું.
ભાત વઘ્યા હોય તો તેમાં રવો, નમક, ખાટું દહીં અને ગરમ પાણી મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવું. આ મિશ્રણમાંથી ઈડલી સારી બને છે.
મિક્સ વેજીટેબલ વઘ્યું હોય તો તેમાં બેથી ત્રણ બાફેલા બટેટા, વાટેલા આદુ-મરચાં, કોથમીર નાંખીને મિક્સ વેજીટેબલ કટલેટ બનાવવી.
વધેલા ભાતમાં સફેદ તલ, આખા ધાણા, જીરું, સાકર, લાલ મરચાંની ભૂકી, હળદર, ચણાનો લોટ અને નમક મિક્સ કરીને ભજીયા પણ બનાવી શકાય છે.
રાતનું શાક વઘ્યું હોય તો તેને લોટમાં મિક્સ કરીને વેજીટેબલ પરોઠાં બનાવી શકાય.
બાફેલા નૂડલ્સ વઘ્યા હોય તો તેને સ્વચ્છ પાણીએ ધોઈને તેલ લગાડીને સૂપ, ચાઉમીન તથા સ્પ્રંિગ રોલમાં પૂરણ ભરવામાં વાપરી શકાય અથવા તેમાં ચાઈનીઝ શાક મિક્સ કરીને કટલેટ બનાવી શકાય.
પલાળેલી અડદની દાળ વધી હોય તો તેમાં અડધો કપ દૂધ અને ૫૦ ગ્રામ માખણ નાંખીને બાફ લેવી. તેમાં નમક, કાંદા, લસણ, આંદુ, લીલા મરચાં અને થોડો ગરમ મસાલો નાંખીને વઘાર કરવો. સ્વાદિષ્ટ દાલમખની તૈયાર થઈ જશે.
માવાની મીઠાઈ વધી હોય તો તેનો ભૂકો કરી ઘીમાં તે ભૂકીને શેકી લેવો. આ ભૂકાને મેંદો કે લોટની પૂરીમાં ભરીને મીઠા ધૂઘરા બનાવવા.
ચના મસાલાની ગ્રેવી વધી હોય તો તેમાં બાફેલા પાસ્તા, નમક અને લીલું મરચું મિક્સ કરીને સ્પાઈસી ચના પાસ્તા બનાવી શકાય.
વધેલા ગાજરના હલવાને પૂરીમાં ભરીને મીઠી પૂરી બનાવી શકાય.
આ પણ વાંચો :જો તમારે પાતળા થવું હોય તો આ 5 મસાલાને ડાયટનો ભાગ બનાવો, તમારું વજન ઝડપથી ઘટશે
આ પણ વાંચો :ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે કયા ખોરાકને ટાળવો જોઈએ, અહીં જાણો
આ પણ વાંચો :મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી..
