Pakistan News/ ‘જેલમાંથી જીવિત પાછા ફરવું મુશ્કેલ’: ઇમરાન ખાનનો જજોને પત્ર, 22 કલાક એકાંતમાં રાખવાનો આરોપ

Imran Khan Health: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને પોતાની અને પત્ની બુશરા બીબીની સારવારની માગ કરી છે. તેમણે જેલમાં 22 કલાક એકલા રાખવા અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ ન મળવાના આરોપ લગાવ્યા છે.

Top Stories World
Imran Khan Health: ઇમરાન ખાનનો જજોને પત્ર, 22 કલાક એકાંતમાં રાખવાનો આરોપ

Pakistan News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન તોશાખાના કેસમાં ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. ઇમરાન ખાને પોતાની અને પત્ની બુશરા બીબીની સારવારની માગ સાથે દેશની ત્રણ મોટી અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખ્યો (Imran Khan Health) છે. ઇમરાને દાવો કર્યો છે કે તેમની તબિયત સતત બગડી રહી છે અને ડૉક્ટરોએ બ્રેન હેમરેજ તથા હાર્ટ એટેકનું જોખમ હોવાની ચેતવણી આપી છે. તેમણે જેલમાં દરરોજ 22 કલાક એકલા રાખવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

ઇમરાન ખાને આશંકા વ્યક્ત કરી છે કે જેલમાંથી તેઓ જીવિત બહાર નહીં આવી શકે. અગાઉ તેમને મળવાની માગ સાથે તેમની બહેનોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Imran Khan Health: પરિવાર અને વકીલોને મળવા પર પ્રતિબંધનો આરોપ

ઇમરાને (Imran Khan) ફેડરલ કૉન્સ્ટિટ્યુશનલ કોર્ટ, સુપ્રીમ કોર્ટ (Pakistan Supreme Court) અને ઇસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર મોકલ્યા છે. તેમના વકીલ સલમાન સફદરે આ પત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યા છે.

પત્રમાં ઇમરાને આરોપ લગાવ્યો છે કે તેમને પરિવારના સભ્યો અને વકીલોને મળવાની, પુત્રો સાથે ફોન પર વાત કરવાની, પુસ્તકો વાંચવાની અને ટીવી જોવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે તેમના વકીલને માત્ર ચાર વખત મળવાની મંજૂરી મળી છે. જ્યારે પત્ની બુશરા બીબીના વકીલને પણ તેમની સાથે માત્ર એક જ વાર મુલાકાત કરવાની તક આપવામાં આવી છે.

ઇમરાનનો દાવો છે કે દર અઠવાડિયે પત્ની સાથે થતી મુલાકાત પણ કોઈ કારણ આપ્યા વિના બંધ કરી દેવામાં આવી છે. તેમની બહેનો કસ્ટડીમાં હોવા છતાં તેમને મળવા દેવામાં આવતી નથી.

મેડિકલ બોર્ડની ભલામણોનો અમલ ન થયાનો દાવો

ઇમરાનના જણાવ્યા અનુસાર, જેલના મેડિકલ બોર્ડે તેમની માનસિક પરેશાનીને સ્વીકારી હતી. બોર્ડે તેમને પત્ની અને પરિવારજનો સાથે વધુ મુલાકાત કરવાની તેમજ પુસ્તકો વાંચવા અને ટીવી જોવાની સુવિધા આપવાની ભલામણ કરી હતી. જોકે, આ ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી એવો તેમનો આરોપ છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે જેલમાં કોઈને તેમની સાથે વાત કરવાની કે તેમના અભિવાદનનો જવાબ આપવાની પણ મંજૂરી નથી (Jail Conditions). ઇમરાનના મતે, આ પ્રકારના પ્રતિબંધો જાણીજોઈને લાદવામાં આવ્યા છે, જેથી તેમની તબિયત અને મનોબળ પર અસર પડે.

જમણી આંખની 85 ટકા દૃષ્ટિ ગુમાવ્યાનો દાવો

ઇમરાને પત્રમાં પોતાની આંખની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, 10 ફેબ્રુઆરીએ મુલાકાત દરમિયાન તેમના વકીલને જાણવા મળ્યું હતું કે તેમની જમણી આંખની આશરે 85 ટકા દૃષ્ટિ જતી રહી છે. આ અંગે પરિવાર કે કાનૂની સલાહકારોને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી એવો પણ તેમણે આરોપ લગાવ્યો છે.

તેમણે બ્લડ પ્રેશરમાં વધારાની વાત પણ કરી છે. ઇમરાનના દાવા મુજબ, જેલમાં રહેવા દરમિયાન તેમનું બ્લડ પ્રેશર પહેલાં 130થી 150, ત્યારબાદ 170 અને 10 નવેમ્બરે 192થી 193 સુધી પહોંચી ગયું હતું.

બુશરા બીબીની આંખોની સારવારની પણ માગ

ઇમરાને પત્ની બુશરા બીબીની તબિયત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં બુશરાની આંખના પડદા એટલે કે રેટિનામાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ તેમની આંખની જટિલ સર્જરી કરવામાં આવી હતી.

ઇમરાનનો આરોપ છે કે આ ઓપરેશન ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બુશરાને ફરી એકાંત કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં. આ મહિને પત્ની સાથે મુલાકાત દરમિયાન તેઓ પ્રકાશ સહન કરી શકતાં નહોતાં અને આંખો પણ ખોલી શકતાં નહોતાં એવો દાવો ઇમરાને કર્યો છે.

તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં બીજી સર્જરી કરવામાં નહીં આવે તો બુશરા બીબીની દૃષ્ટિને કાયમી નુકસાન થઈ શકે છે. આ જ કારણોસર તેમણે અદાલતોને પત્ર લખીને પોતાની અને પત્નીની યોગ્ય સારવારની માગ કરી છે.


આ પણ વાંચો: નવ મહિના બાદ ઇમરાન ખાનને મળ્યા બહેન અને પત્ની

આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફેને જાતે બેટિંગ કરવી જોઈએ: ઇમરાન ખાન

આ પણ વાંચો: રાણા સનાઉલ્લાહનો દાવો કર્યો કે, જેલમાં ઇમરાન ખાન સાથે બે ગુપ્ત ડિલ નિષ્ફળ રહી