Islamabad News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ને લગભગ નવ મહિના બાદ તેમની બહેન નોરીન નિયાઝી મળી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોરીન અને ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી અડિયાલા જેલ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન ઇમરાનના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
9 મહિના બાદ બહેનને મળી ઇમરાન ખાન
નોરીન નિયાઝી તેમની બહેનો અલીમા ખાન અને ઉઝમા ખાન સાથે અડિયાલા જેલ (Adiala Jail)તરફ જઈ રહી હતી. ડહગલ ચેકપોઇન્ટ પર પોલીસે ત્રણેયને રોકી હતી. ત્યારબાદ માત્ર નોરીનને ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવી.
લગભગ 15 મિનિટ ચાલેલી મુલાકાત દરમિયાન નોરીને ઇમરાનના સ્વાસ્થ્ય (Imran Khan Health)અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ અંગે પણ માહિતી આપી હતી.
મુલાકાત બાદ નોરીને ઇમરાનને મળ્યાની પુષ્ટિ કરી હતી. જોકે, કોર્ટ સમક્ષ આપવામાં આવેલા ભરોસાને કારણે તેમણે મીડિયા સાથે વાતચીત કરી નહોતી.
બુશરા બીબી સાથે 30થી 35 મિનિટ મુલાકાત
ઇમરાન ખાન (Imran Khan)ની પત્ની બુશરા બીબી (Bushra Bibi)એ પણ અડિયાલા જેલમાં તેમની સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની મુલાકાત લગભગ 30થી 35 મિનિટ ચાલી હોવાનું જાણવા મળ્યું છે.
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય (Imran Khan Health)ને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમના પરિવારને નિયમિત મુલાકાતની મંજૂરી આપવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
પરિવારને મળવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનના પરિવારને દર અઠવાડિયે તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જેલમાં બંધ વ્યક્તિને પરિવારને મળવાની તક આપવી કોઈ અહેસાન નથી, પરંતુ તેનો મૂળભૂત અધિકાર છે.
કોર્ટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઇમરાન ખાન અને તેમની બહેનો વચ્ચે થયેલી મુલાકાતોનો રેકોર્ડ પણ માંગ્યો છે. આ ઉપરાંત તેમના પુત્રો સાથે થયેલી વાતચીત અને ફોન કોલ સંબંધિત માહિતી રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
સારવાર માટે હોસ્પિટલ મોકલવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને સારવાર અને તબીબી તપાસ માટે શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ મોકલવાનો પણ આદેશ આપ્યો છે. તેમની સારવાર માટે મેડિકલ બોર્ડ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
આ બોર્ડમાં ઇમરાન ખાનના અંગત ડોક્ટર ઉપરાંત તેમની બહેન ડો. ઉઝમા ખાનને પણ સામેલ કરવાની વાત છે. અડિયાલા જેલના મેડિકલ રિપોર્ટમાં તેમના બ્લડ પ્રેશર અને તણાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પાકિસ્તાન સરકાર કોર્ટના આદેશને પડકારશે
પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર ઇમરાન ખાન (Imran Khan)ને હોસ્પિટલ મોકલવાના આદેશ સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે.
કાયદા મંત્રી આઝમ નઝીર તરારે જણાવ્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા કરી છે. સરકારનું કહેવું છે કે આદેશના કેટલાક ભાગ વર્તમાન કાયદાકીય વ્યવસ્થા સાથે સુસંગત નથી.
સરકારનો સવાલ છે કે જો ઇમરાન ખાનને જેલની બહારની વિશેષ હોસ્પિટલમાં સારવારની મંજૂરી આપવામાં આવે, તો ગંભીર બીમારીઓથી પીડાતા અન્ય કેદીઓ માટે પણ સમાન વ્યવસ્થા કરવી પડશે કે કેમ. સરકાર અનુસાર સામાન્ય રીતે કેદીઓની સારવાર સરકારી હોસ્પિટલ અને નિર્ધારિત સરકારી વ્યવસ્થા હેઠળ કરવામાં આવે છે.
2023થી જેલમાં છે ઇમરાન ખાન

73 વર્ષીય ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. શરૂઆતમાં તોશાખાના કેસમાં તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેમના વિરુદ્ધ સાયફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિત અનેક કેસ સામે આવ્યા હતા.
સાયફર અને ઇદ્દત નિકાહ કેસમાં તેમને કોર્ટમાંથી રાહત મળી હતી. જોકે, અન્ય કેસોમાં સજા અને કાર્યવાહી ચાલુ હોવાથી તેઓ હજુ જેલમાં છે.
ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)નો આરોપ છે કે 2022માં વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ રાજકીય કારણોસર તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારી રહી છે અને કેસોને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવી રહી છે.
ઇમરાન ખાનના મુખ્ય કેસોની સ્થિતિ
તોશાખાના કેસ(Toshakhana Case): 2023માં ઇમરાન ખાનને ત્રણ વર્ષની સજા થઈ હતી, જેને બાદમાં સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ તોશાખાના સંબંધિત અન્ય કેસમાં ડિસેમ્બર 2025માં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17-17 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
સાયફર કેસ: ઇમરાન ખાનને મળેલી 10 વર્ષની સજા બાદમાં હાઈકોર્ટે રદ કરી હતી અને જૂન 2024માં તેમને આ કેસમાં રાહત મળી હતી.
ઇદ્દત નિકાહ કેસ: ફેબ્રુઆરી 2024માં ઇમરાન ખાન અને બુશરા બીબીને સાત-સાત વર્ષની સજા થઈ હતી. જુલાઈ 2024માં બંનેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
અલ-કાદિર ટ્રસ્ટ કેસ: બ્રિટનથી પાકિસ્તાન પરત લાવવામાં આવેલા લગભગ £190 મિલિયન સાથે જોડાયેલા આ કેસમાં જાન્યુઆરી 2025માં ઇમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબી (Bushra Bibi)ને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમની અપીલ પર કાનૂની કાર્યવાહી ચાલુ છે.
