મોસ્કો,
દુનિયાના સૌથી ધૃણાસ્પદ ગણાતા ટેરર ગ્રુપ તાલિબાન સાથે ભારતે એક ટેબલ પર બેસીને મંત્રણાઓ કરવી પડે તેવા દિવસો આવ્યા છે.રશિયાના કેપીટલ મોસ્કોમાં એક પીસ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં અફઘાનિસ્તાન મામલે ફોરમેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. ભારત પણ તેમાં સામેલ થશે.
રશિયાના વિદેશી મંત્રાલયના જણાવ્યા મુજબ. વાતચીતમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એક સાથે જોવા મળશે.જો કે આ ચર્ચા સત્તાવાર નથી અને બિનસત્તાવાર રીતે ભારત આ મીટીંગમાં ભાગ લેશે.
રશિયા વિદેશ મંત્રાલયે ગત સપ્તાહે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન પર મોસ્કો પ્રારૂપ બેઠક 9 નવેમ્બરે યોજાશે. તેમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકમાં ભારતની ભાગેદારી વિશે પુછતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને ખબર છે કે રશિયા 9 નવેમ્બરે મૉસ્કોમાં અફઘાનિસ્તાનની એક બેઠકની મેજબાની કરી રહ્યું છે.
રશિયા દ્વારા આયોજિત બેઠકમાં શુક્રવારે ભારત પહેલી વખત બિનસત્તાવાર રીતે સામેલ થશે અને તાલિબાન સાથે વાતચીત કરશે. અફઘાનિસ્તાન પર રશિયા દ્વારા આયોજિત બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
રશિયાની સમાચાર એજન્સીના મતે, આ બીજો અવસર છે, જ્યાં રશિયા યુદ્ધથી પ્રભાવિત અફઘાનિસ્તાનમાં શાંતિ કેવી રીતે સ્થાપાય તેના પર વિચાર વિમર્શ કરશે. તે સિવાય વિસ્તારની તમામ શક્તિઓને એક સાથે લાવવાનો પ્રયાસ કરશે.
