Gandhidham News: ગુજરાતનાં અલગ-અલગ રેલવે સ્ટેશન પર મુસાફરોને કન્ફર્મ રેલવે ટિકિટ કરાવી આપવાની લાલચ આપી ઠગાઇ આચારતી ટોળકીને ગાંધીધામ રેલવે પોલીસ ટીમે અંજાર રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લઈ કૂલ 10 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો.
છેલ્લા કેટલાક દિવસોમાં કન્ફર્મ ટિકિટ કરાવી અપાવવાની લાલચ/વિશ્વાસ આપી ઠગાઇ કરી મોબાઈલ એટીએમ કાર્ડ અને અન્ય કીમતી ચીજ વસ્તુઓ પડાવી લેવા અંગે નોંધાયેલ વણઉકેલાયેલા ગુના સંદર્ભે આ ગુનાઓનો ભેદ ઉકેલવા કરાયેલ સૂચના તેમજ માર્ગદર્શન, અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશને આ ગુનો ઉકેલ્યો હતો.
ગાંધીધામ પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.સોલંકી, પીએસઆઇ જે.બી કુરેશી અને પોલીસ સ્ટાફ દ્વારા આ પ્રકારના ગુન્હાઓનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એકત્રિત કરેલ ઇનપુટ્સ અને આર.પી.એફ. પો.સબ.ઈન્સ ઓ.પી.કોહલી દ્વારા ઉપલબ્ધ કરાયેલ સી.સી. ટી.વી. ફુટેજ આધારે ગાંધીધામ રેલવે પોલીસ ટીમને ગાંધીધામ રેલવે પોલિસ સ્ટેશન વિસ્તારના અંજાર રેલવે સ્ટેશન ખાતેથી શંકાસ્પદ છ ઇસમોની ધરપકડ કરી હતી.
આ છ ઇસમો રામપુકાર ગરભુ મહતો, સુરેન્દ્ર મહતો, વિવેક, વૈદેહી મહતો, બ્રહ્મદેવકુમાર, દિલિપકુમાર અને રાજકુમાર મુદ્દામાલ અને રોકડ રકમ સાથે મળી આવ્યા હતા. તેઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ઇસમો ૩-૩ ની ટોળકી(જૂથ) બનાવી રેલવે સ્ટેશન પર આવી પરપ્રાંતીય મુસાફરોને ટાર્ગેટ કરતા તેને પોતાના પરિચિત રેલવે અધિકારી/કર્મચારી મારફતે કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની ખાતરી આપી, મુસાફરનો મોબાઈલ, ATMકાર્ડ, રોકડ રકમ અને અન્ય કીમતી ચીજ વસ્તુઓ ઠગાઇ આચરી પડાવી લેતા અને મુસાફરને રાહ જુઓ હમણા જ આપની કન્ફર્મ ટિકિટ આવી જશે તેવો વિશ્વાસ આપી પોતે નાસી જતાં હતા.
મોબાઈલ અથવા ATM કાર્ડ મારફતે મુસાફરોના એકાઉન્ટમાંથી રોકડ રકમ ઉપાડી ગુન્હા આચરવાની ટેવ વાળા હતા.આ છ ઇસમોને ટોળકીને પકડી પાડી ફૂલ 16 મોબાઈલ ફોન, 6 એટીએમ કાર્ડ, એક સ્માર્ટ વોચ. અને રૂ. 1.43 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા સાવચેત અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કે,રેલવે સ્ટેશન પર મુસાફરી કરતી વખતે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા લાલચ કે વિશ્વાસમાં આવી પોતાના મોબાઈલફોન, ATMકાર્ડ, કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ અજાણ્યા ઈસમને સોંપવી નહીં, અન્યથા તમારી સાથે ઠગાઇ થઈ શકે છે અને મોટું આર્થિક નુકશાન થઈ શકે છે.
આ પણ વાંચો: ગાંધીધામમાં સ્વચ્છતા અભિયાન, રામલીલા મેદાનમાં CGST કચ્છ કમિશનરેટ દ્વારા આયોજન
આ પણ વાંચો: કચ્છ/ ગાંધીધામમાંથી સળગેલી હાલતમાં લાશ મળી, 10 દિવસ પૂર્વે ગુમ થઇ હતી આ વ્યક્તિ
આ પણ વાંચો: ગાંધીધામનાં વેપારીનાં અપહરણનો ભેદ ઉકેલાયો, ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ
