નવી દિલ્હીઃ દેશમાં 300 કરોડ રૂપિયાના મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સૌથી મોટા કૌભાંડમાં પોલીસે 5000 નકલી વિઝા બનાવવા માટે છ લોકોની ધરપકડ કરી છે. નકલી સ્વીડિશ વિઝા પર ઇટાલી જતો હરિયાણાનો સંદીપ બીજી સપ્ટેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો. પૂછપરછ દરમિયાન તેના ગામના અનેક લોકો આવા નકલી વિઝા પર વિદેશ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
પાંચ વર્ષમાં 5000 હજાર નકલી વિઝા આપવામાં આવ્યા
સંદીપે આપેલી માહિતીના આધારે દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ચારથી પાંચ હજાર નકલી વિઝા આપવામાં આવ્યા હતા અને 300 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. સંદીપે જણાવ્યું કે તેણે આસિફ અલી નામના એજન્ટ પાસેથી 10 લાખ રૂપિયા આપીને નકલી વિઝા મેળવ્યા હતા. આ માહિતી મળ્યા બાદ પોલીસે આસિફ અલી અને તેના સહયોગી શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી. શિવા ગૌતમ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટો બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ ફેક્ટરીમાં વિઝા બનાવતા હતા
બંનેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ઘણા દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા. આ ફેક્ટરી મનોજ મોંગા નામની વ્યક્તિ ચલાવતો હતો. ત્યારબાદ પોલીસે તિલક નગર સ્થિત આ ફેક્ટરીમાં દરોડો પાડી મનોજ મોંગાની ધરપકડ કરી હતી. તેણે ગ્રાફિક ડિઝાઇનમાં ડિપ્લોમા કર્યું છે. મનોજ પાંચ વર્ષ પહેલા જયદીપ સિંહ નામના એક વ્યક્તિને મળ્યો હતો અને તેણે તેને નકલી વિઝા બનાવવા માટે તેના ગ્રાફિક ડિઝાઇન જ્ઞાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
દર મહિને 30 થી 60 વિઝા બનાવવા
પોલીસના જણાવ્યા અનુસાર, તે દર મહિને 30 થી 60 વિઝા બનાવતો હતો અને માત્ર 20 મિનિટમાં વિઝા સ્ટીકર તૈયાર કરતો હતો. દરેક નકલી વિઝા 8 થી 10 લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા. આ રેકેટમાં કોમ્યુનિકેશન માટે ટેલિગ્રામ, સિગ્નલ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉષા રંગરાણીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 16 નેપાળી પાસપોર્ટ, બે ભારતીય પાસપોર્ટ, 30 વિઝા સ્ટીકરો, 23 વિઝા સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નકલી વિઝા પર કેનેડા જવાનો પ્રયત્ન કરનારા ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ
આ પણ વાંચો: નકલી સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ
આ પણ વાંચો: નકલી પાસપોર્ટ બનાવતા ભારતમાં રહેતા તિબેટીયન નાગરિકની ધરપકડ, નામ હતું ચંદ્ર ઠાકુર