National News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેનને (Bullet Train)લઈને દેશવાસીઓની આતુરતાનો અંત નજીક આવી રહ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે દેશની પહેલી હાઈસ્પીડ ટ્રેનની બોડી ફ્રેમની ઝલક શેર કરીને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘શું તમે તૈયાર છો? ભારતની પ્રથમ બુલેટ (India Bullet Train)ટ્રેન બની રહી છે.’ આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી વર્ષે મે અથવા જૂન મહિનામાં બુલેટ ટ્રેન પરીક્ષણ માટે પાટા પર દોડતી જોવા મળી શકે છે.
બુલેટ ટ્રેનની બોડી ફ્રેમ તૈયાર, ટેસ્ટિંગની તૈયારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ દેશમાં જ તૈયાર થઈ રહેલી બુલેટ ટ્રેનની (Bullet Train) પ્રથમ બોડી ફ્રેમનું કામ પૂર્ણ થયું છે. આ ફ્રેમને હવે ‘સ્ક્વિઝ ટેસ્ટ’ માટે મોકલવામાં આવી છે. આ પરીક્ષણ ટ્રેનની મજબૂતાઈ અને સુરક્ષાની ચકાસણી માટે મહત્વપૂર્ણ છે. સરકારનો લક્ષ્યાંક છે કે મે અથવા જૂન 2027 સુધીમાં ભારતની સ્વદેશી બુલેટ ટ્રેનને ટ્રાયલ માટે ટ્રેક પર ઉતારવામાં આવે.

વડોદરાથી મુંબઈ માત્ર 90 મિનિટમાં પહોંચાશે
બુલેટ ટ્રેન (Bullet Train)શરૂ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરીમાં મોટો ફેરફાર જોવા મળશે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, વડોદરાથી મુંબઈ (Vadodara Mumbai Bullet Train)સુધીની મુસાફરી માત્ર દોઢ કલાક એટલે કે 90 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. ટ્રેનનું પરીક્ષણ આશરે 2થી 4 મહિના સુધી ચાલ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના ઉદ્ઘાટન કરી શકે છે. આ પ્રોજેક્ટથી મુસાફરોનો સમય બચવાની સાથે વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી ગતિ મળવાની અપેક્ષા છે.
સુરત-બીલીમોરા વચ્ચે પ્રથમ તબક્કો શરૂ કરવાનો લક્ષ્યાંક
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર દેશના સૌથી મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત અને બીલીમોરા (Surat Bilimora Bullet Train)વચ્ચેનો પ્રથમ સેક્શન 2027માં કાર્યરત કરવાનો લક્ષ્યાંક અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કોરિડોરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ થતાં ગુજરાતના અનેક શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે અને હાઈસ્પીડ રેલવેના નવા યુગની શરૂઆત થશે.
દિલ્હીથી વારાણસી સુધી પણ દોડશે બુલેટ ટ્રેન
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલ કોરિડોરને (Delhi Varanasi Bullet Train)પણ મંજૂરી આપી છે. આ પ્રસ્તાવિત કોરિડોરથી ઉત્તર પ્રદેશને પ્રથમ બુલેટ ટ્રેન સેવા મળવાનો માર્ગ ખુલશે. યોજના અનુસાર, દિલ્હીથી વારાણસી વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને આશરે સાડા ત્રણ કલાક થઈ શકે છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં દેશના વિવિધ વિસ્તારોમાં હાઈસ્પીડ રેલવે નેટવર્કનો વિસ્તાર થશે.
આ રીતે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માત્ર પરિવહનનું નવું સાધન નહીં, પરંતુ દેશના આધુનિક માળખાકીય વિકાસની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
