જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં શુક્રવારે સવારે એક બસ દુર્ઘટનામાં 13 વ્યક્તિના મોત નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જ્યારે 13 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં શુક્રવારે સવારે ઠકરાઈની નજીક ડંડારન પાસે આ દુર્ઘટના બની હતી. જેમાં કેશવાનથી કિશ્તવાડ તરફ જઈ રહેલી એક મિની બસના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ મિનીબસ ચેનાબ નદીની પાસે ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં સવાર મુસાફરો પૈકી 13 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 13થી વધુ વ્યક્તિ ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અનેક મુસાફરો હજી પણ લાપતા છે. તેમની શોધખોળ ચાલી રહી છે. કિશ્તવાડના એસએસપી રાજિન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે, મિની બસ ચાલકે ગાડીના સ્ટિયરિંગ ઉપરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. જેના કારણે મિની બસ ચેનાબ નદીમાં ખાબકી હતી.
પોલીસ પ્રમાણે અત્યાર સુધી 13 વ્યકિતના મૃતદેહ મળ્યા છે. લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્ર્રસ્ત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને જમ્મુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે 30થી વધુ મુસાફરો સવાર હતા. ઘટના બન્યાના તુરંત બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. કિશ્તવાડના ઉપાયુક્ત અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસન દ્વારા ગંભીર રીતે ઘવાયેલ આઠ વ્યકિતને હેલિકોપ્ટર દ્વારા જમ્મુ લઈ જવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, મૃતકોના નિકટના પરિજનોને પાંચ- પાંચ લાખ રૂપિયા જયારે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં આ ત્રીજી મોટી દુર્ઘટના બની છે.
