India Nepal Border Dispute: ભારત અને નેપાળ (Nepal) વચ્ચેના ‘રોટી-બેટી’ના સંબંધોમાં અત્યારે કસ્ટમ નિયમોની કડકાઈને લીધે કડવાશ આવી છે. રક્સૌલ-બીરગંજ બોર્ડર પર નેપાળ સરકારના નવા નિયમોના વિરોધમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
શું છે નવો નિયમ? (ભન્સાર મહેસૂલ અધિનિયમ 2081)
નેપાળ સરકારે નવા કાયદા હેઠળ જાહેરાત કરી છે કે, ભારતથી નેપાળમાં પ્રવેશતા કોઈ પણ વ્યક્તિ જો રૂ. 100 થી વધુની કિંમતનો સામાન લાવશે, તો તેણે ફરજિયાતપણે કસ્ટમ ડ્યુટી (ભન્સાર શુલ્ક) ચૂકવવો પડશે. નેપાળની આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) દ્વારા બોર્ડર પર સતત માઈકિંગ કરીને આ નિયમની કડક અમલવારીની ચેતવણી આપવામાં આવી રહી છે.
સામાન્ય જનતા અને મહિલાઓના બજેટ પર ફટકો
નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વર્ષોથી ઘરવખરીનો સામાન ખરીદવા બિહારના શહેરોમાં આવતા હતા, કારણ કે નેપાળની સરખામણીએ ભારતમાં ચીજવસ્તુઓ સસ્તી મળે છે. હવે માત્ર રૂ. 100 ની મર્યાદા હોવાથી મીઠું, તેલ કે શાકભાજી લાવવા પર પણ ટેક્સ ભરવો પડી રહ્યો છે. સઘન તપાસના કારણે સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે.
અઘોષિત નાકાબંધીના આક્ષેપો અને વિરોધ (Nepal)
જન અધિકાર પાર્ટી અને અન્ય સંગઠનોએ આ નિયમને ‘મધેશ ક્ષેત્ર’ માટે અઘોષિત નાકાબંધી ગણાવી છે. પાર્ટી અધ્યક્ષ ડો. શરદ સિંહ યાદવના નેતૃત્વમાં શંકરાચાર્ય ગેટ પાસે જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોનું કહેવું છે કે મહેસૂલ વધારવાના નામે બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજકીય અને વ્યાપારી પ્રતિક્રિયા
સત્તા પક્ષ: નેપાળની (Nepal) રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના સાંસદોએ પણ વડાપ્રધાન બાલેન શાહને આ નીતિ પર પુનર્વિચાર કરવા માંગ કરી છે.
પોલીસ તંત્ર: વધતા તણાવને જોઈ DIG ગોવિંદ થપલિયાએ પોલીસને સૂચના આપી છે કે ઘરેલું સામાન લાવતા નાગરિકોને બિનજરૂરી હેરાન ન કરવા.
વેપારી સંગઠન: બીરગંજ ઉદ્યોગ વાણિજ્ય સંઘના મતે આનાથી લાંબા ગાળે નેપાળના (Nepal) સ્થાનિક વેપારને ફાયદો થશે, જોકે હાલમાં સામાન્ય જનતા માટે આર્થિક બોજ વધ્યો છે.
આ પણ વાંચો : ચીન કેમ કરી રહ્યું છે કીડીઓની તસ્કરી? એક રાણી કીડીની કિંમત ₹21,000, આખી દુનિયા પરેશાન
આ પણ વાંચો : ઓમાનના અખાતમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાની જહાજ ‘ટુસ્કાન’ પર મધરાતે મરીન્સનો કબજો
