પંચકુલા,
12 વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.હરિયાણાના પંચકુલા ખાતે આવેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની સ્પેશિયલ કોર્ટે 2007ના સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસના અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દીધા હતા
18 ફેબ્રુઆરી 2007 ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં બે વખત ચાલતી 4001 અપ નંબરની ટ્રેન અટારી(સમજૌતા) એક્સ્પ્રેસમાં બે આઈઈડી ધડાકા થયા હતા, જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ ઘટના રાત્રે 11.53 વાગ્યે દિલ્હીથી લગભગ 80 કિલોમિટર દૂર પાણીપતના દિવાના રેલવે સ્ટેશન પાસે બની હતી.ધડાકાને કારણે ટ્રેનમાં આગ લાગી જેનાથી મહિલાઓ અને બાળકો સહિત 68 લોકોનાં મૃત્યુ થયાં અને ૧૨ લોકો ઘાયલ થયા હતા.
19 ફેબ્રુઆરીએ જીઆરપી/એસઆઈટી હરિયાણા પોલિસે ફરિયાદ દાખલ કરી અને લગભગ અઢી વર્ષ બાદ આ ઘટનાની તપાસની જવાબદારી 29 જુલાઈ 2010 ના રોજ રાષ્ટ્રીય તપાસ ઍજન્સી એટલે કે એનઆઈએને સોંપવામાં આવી.
એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ હુમલો કર્યો તેઓ દેશનાં વિવિધ મંદિરો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી ભડકેલા હતા.એમાં 24સપ્ટેમ્બર, 2009ના રોજ થયેલો ગુજરાતનો અક્ષરધામ પરનો હુમલો, 30 માર્ચ અને 24 નવેમ્બર, 2002ના રોજ જમ્મુના રઘુનાથ મંદિરમાં થયેલા બે બ્લાસ્ટ અને વારાણસીના સંકટમોચન મંદિરમાં 7 માર્ચ 2006ના રોજ થયેલા બ્લાસ્ટનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન એ પણ સાબિત થયું કે નબ કુમાર સરકાર એટલે કે સ્વામી અસીમાનંદ, સુનીલ જોશી ઉર્ફે મનોજ ઉર્ફે ગુરુજી, રામચંદ્ર કલસાંગરા ઉર્ફે રામજી ઉર્ફે વિષ્ણુ પટેલ, સંદીપ દાંગે ઉર્ફે ટીચર, લોકેશ શર્મા ઉર્ફે અજય ઉર્ફે કાલી, કમલ ચૌહાણ, રમેશ વેંકટ મહાલકર ઉર્ફે અમિત હકલા, ઉર્ફે પ્રિન્સે અન્ય લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
એનઆઈએની પંચકુલામાં આવેલી ખાસ કોર્ટમાં ઉપરોક્ત આરોપીઓ બાબતે 2011 થી 2012 વચ્ચે ત્રણ વખત ચાર્જશીટ ફાઈલ થઈ હતી.