નવી દિલ્હી: Air India ની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટના પાઇલટ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ ખરાબ સપના જેવો સાબિત થયો હતો. ઉડાણ દરમિયાન વિમાનમાં ઈલેક્ટ્રોનિક ખરાબી આવી ગઈ હતી, હવામાન પણ ખરાબ હતું અને ઈંધણ ખતમ થઈ ગયું હતું. આમ છતાં પાઇલટે પોતાની સૂઝબૂઝના કારણે પ્લેનના ૩૭૦ યાત્રીઓના હેમખેમ રીતે જીવ બચાવી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવી દિલ્હીથી ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી એરપોર્ટ જવા રવાના થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને દુનિયાની સૌથી લાંબી ડાયરેક્ટ ફ્લાઈટમાંની એક ગણવામાં આવે છે. આ ફ્લાઈટ શરૂઆતના ૧પ કલાક સુધી કોઈ પણ સમસ્યા વગર ઊડી રહી હતી, પરંતુ ત્યારબાદની ૩૮ મિનિટ તેના પાઇલટ માટે ખૂબ જ પડકારજનક રહી હતી.
પાઈલટે એટીસીને મોકલ્યો મેસેજ, “અમે ખૂબ ખરાબ રીતે ફસાયા છીએ”
એર ઈન્ડિયાના પ્લેન બોઈંગ ૭૭૭-૩૦૦ના કેપ્ટન રુસ્તમ પાલિયાએ ન્યૂયોર્કમાં એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને એક સંક્ષિપ્ત મેસેજ મોકલ્યો હતોકે, “અમે ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. આપ જાણો છો કે અમારી પાસે ઈંધણ પણ બચ્યું નથી.”
એર ઈન્ડિયાની ફ્લેગશિપ ફ્લાઈટ એઆઈ-૧૦૧માં તા. ૧૧ સપ્ટેમ્બરે કુલ ૩૭૦ યાત્રીઓ સવાર હતા. પાઇલટે વિમાનને ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવાની કોશિશ કરી, પરંતુ ખરાબ હવામાનના કારણે ઉતારી શકાયું ન હતું.
અન્ય વિમાન સાથે ટકરાતાં લેન્ડિંગ સિસ્ટમ થઈ હતી ફેઈલ
એટલું જ નહી આ વિમાન અન્ય એક વિમાન સાથે ટકરાયું હતું. જેના કારણે તેની લેન્ડિંગ સિસ્ટમ પણ ફેઈલ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઓટો લેન્ડ, વિન્ડિશયર સિસ્ટમ, ઓટો સ્પીડ બ્રેક અને ઓક્સિલરી પાવર યુનિટ પણ કામ કરતાં બંધ થઈ ગયા હતા. મુશ્કેલીઓ અહિયા ખતમ થતી ન હતી.
મુશ્કેલીમાં વધારારૂપ આ વિમાનની ત્રણેય ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઈએલએસ)માં પણ સમસ્યા સર્જાઈ હતી. આઈએલએસ એ સિસ્ટમ છે, જેની મદદથી પાઇલટ રાત હોય કે દિવસ, ખરાબ હવામાનમાં પણ વિમાનને રન-વે પર એકદમ યોગ્ય રીતે લેન્ડ કરાવી શકે છે. આ સિસ્ટમ પણ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે લેન્ડિંગમાં પણ મુશ્કેલી હતી.
પાઈલટ સૂઝબૂઝથી એટીસી સહીત સૌ કોઈ અચંબિત બન્યા
આ દરમિયાનમાં એર ઈન્ડિયાના આ પ્લેનના પાઇલટ કેપ્ટન રુસ્તમ પાલિયા સતત ન્યૂયોર્ક એટીસીના સંપર્કમાં રહીને કહી રહ્યા હતા કે, ઓટો લેન્ડિંગ સિસ્ટમ કામ નથી કરતી. તેમજ ઘણી સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. આઈએલએસથી પણ કોઈ અનુમાન લગાવી શકાતું નથી. જ્યારે પણ અમે લેન્ડિંગનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે સિસ્ટમ કામ કરતી બંધ થઈ જાય છે.
એટીસીને પણ એ વાતની નવાઈ લાગી હતી કે, આવા સંજોગોમાં પણ પાઇલટ રુસ્તમ પાલિયા એકદમ શાંત રહીને વાત કરતા હતા અને સૂઝબૂઝથી પ્લેનને લેન્ડ કરાવવાની કોશિશ કરતા હતા.
દુનિયાનું સૌથી જટિલ વિમાન
દુનિયાના સૌથી જટિલ વિમાનોમાં જેની ગણતરી થાય છે તે સાત વર્ષ જૂના બોઈંગ-૭૭૭-૩૦૦ને પાઇલટે કોઈ પણ સિસ્ટમની મદદ વગર મેન્યુઅલી લેન્ડ કરાવવાનું હતું. મોટી સમસ્યા એ હતી કે વિમાનમાં હવે ખૂબ ઓછું ઈંધણ બચ્યું હતું. બીજી તરફ ન્યૂયોર્કના આકાશમાં વાદળો ઘેરાયેલાં હતા.
પાઈલટે સલામત રીતે કરાવ્યું ઉતરાણ
આવી પરિસ્થિતિમાં પાઇલટે રન-વેની સાચી દિશા શોધવી અઘરી હતી. આમ છતાં પણ તમામ સિસ્ટમ ફેલ થવાં છતાં ૩૮ મિનિટ સુધી આકાશમાં જ વિપરીત પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પાઇલટે ૩૭૦ પ્રવાસીઓ સાથેના પ્લેનને ન્યૂયોર્કમાં એક વૈકલ્પિક એરપોર્ટ પર સલામત રીતે ઉતાર્યું હતું.
