ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કૈપટાઉનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય પેસ બેટરીનો પરચમ જોવા મળ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ૭૭ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી ચુકેલી દક્ષિણ આફ્રિકન ટીમે ભારતીય ઝડપી બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ ગઈ હતી. આ સાથે ભારતને ૨૦૮ રનનો ટાર્ગેટ મળ્યો છે.
કૈપટાઉન ટેસ્ટ મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકન ટીમે બે વિકેટના નુકશાને ૬૫ રનથી રમત આગળ ધપાવ્યા બાદ માત્ર ૧૩૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી પોતાની પહેલી ટેસ્ટ મેચ રમેલા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ અનુક્રમે ૩-૩ વિકેટ જયારે ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જયારે દક્ષિણ આફ્રિકન ટીમ તરફથી ૭ બેટ્સમેન રનમાં ડબલ ડીજીટનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા. અને એબી ડિવિલીયર્સે સૌથી વધુ ૩૫ રન બનાવ્યા હતા.
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૨૮૬ રન બનાવ્યા હતા. જયારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૯ રન કરી શકી હતી.જેમાં સૌથી વધુ રન હાર્દિક પંડયાએ (૯૩) ફટકાર્યા હતા.
