Indian Captain Arrested in Britain: બ્રિટને રશિયા પર લાગેલા પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપસર ભારતીય નાગરિક અને જહાજના કેપ્ટન અજય પંતની ધરપકડ કરી છે. ઉત્તરાખંડના નૈનીતાલના રહેવાસી અજય પંત રશિયન ક્રૂડ ઓઇલ લઈને ભારત આવી રહેલા ટેન્કર MV Smyrtos ના માસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
માહિતી અનુસાર, આ ટેન્કરે 4 જૂને રશિયાના ઉસ્ત-લુગા બંદરથી આશરે 1.01 લાખ ટન યુરલ ક્રૂડ ઓઇલ લઈને ગુજરાતના સિક્કા પોર્ટ તરફ સફર શરૂ કરી હતી. 14 જૂને ઇંગ્લિશ ચેનલમાં બ્રિટિશ સશસ્ત્ર દળોએ જહાજને રોકી તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ 16 જૂને અજય પંતને સાઉથહેમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પર રશિયા સંબંધિત બ્રિટિશ પ્રતિબંધોના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને હવે આગામી સુનાવણી 16 જુલાઈએ બોર્નમાઉથ ક્રાઉન કોર્ટમાં થશે. જો આરોપ સાબિત થાય તો તેમને મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
અજય પંતના પરિવારજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી મર્ચન્ટ નેવીમાં સેવા આપી રહ્યા છે અને તેમનો રેકોર્ડ સંપૂર્ણપણે નિષ્કલંક રહ્યો છે. પરિવારનું માનવું છે કે તેઓ માત્ર કંપનીના નિર્દેશોનું પાલન કરી રહ્યા હતા અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
આ મામલે ઉત્તરાખંડ સરકારે પણ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ભારતીય ઉચ્ચાયોગને અજય પંત સાથે કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલમાં ટેન્કર પર 24 ભારતીય અને જ્યોર્જિયન ક્રૂ સભ્યો હાજર છે અને જહાજને બ્રિટનના ડોર્સેટ કિનારા નજીક સુરક્ષા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત
આ પણ વાંચો: યુક્રેનના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ, ઓઇલથી રોડ-વાહનો કાળા થયા
આ પણ વાંચો: 3 મહિનાના લોડિંગ બાદ હોર્મુઝની ખાડી પાર કરી જહાજ દિશા ગુજરાતના દહેજ પોર્ટ પહોંચ્યું
