NEET UG 2026 Re-Exam: પેપર લીક વિવાદ બાદ આજે દેશના 564 શહેરોમાં NEET-UG 2026ની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. દેશ અને વિદેશના પરીક્ષા કેન્દ્રોને મળીને કુલ 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક રી-એગ્ઝામમાં ભાગ લઈ રહ્યા છે.
પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમવાર પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી છે. એરફોર્સના વિમાનો અને હેલિકોપ્ટરોએ 200થી વધુ ઉડાનો ભરીને પ્રશ્નપત્રોને દેશભરના સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા છે.
દેશભરમાં 2 લાખથી વધુ સુરક્ષા અને પરીક્ષા કર્મચારીઓ તેમજ કુલ 3 લાખથી વધુ અધિકારીઓ અને સ્ટાફને કામગીરીમાં લગાડવામાં આવ્યા છે. પરીક્ષા અંગ્રેજી, હિન્દી સહિત 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી રહી છે.
NTAએ જણાવ્યું છે કે પ્રશ્નપત્ર તૈયાર કરનારી નિષ્ણાત ટીમને પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોની પણ તૈનાતી કરવામાં આવી છે. જિલ્લાઓના ડીએમ અને એસપીને ખાસ દેખરેખ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જ્યારે અફવાઓ અને સાયબર ગેરરીતિઓને રોકવા માટે સાયબર કમાન્ડોની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પરીક્ષા 95 હજારથી વધુ રૂમોમાં યોજાઈ રહી છે. દરેક રૂમમાં ઓછામાં ઓછો એક CCTV કેમેરો લગાવવામાં આવ્યો છે. દેશભરમાં કુલ 1.38 લાખથી વધુ CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે, જેનું મોનિટરિંગ રાષ્ટ્રીય, રાજ્ય અને મંત્રાલય સ્તરે કરવામાં આવશે.
આ વખતે પરીક્ષાનો સમયગાળો 15 મિનિટ વધારીને 3 કલાક 15 મિનિટ કરવામાં આવ્યો છે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે. 1:30 વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
NTAએ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ, ફોટો ઓળખપત્ર (આધાર, PAN અથવા મતદાર ઓળખપત્ર) અને બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચના આપી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણી, વીજળી, પંખા અને વાલીઓ માટે બેઠકોની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉમેદવારોને હળવા રંગની અડધી બાંયની શર્ટ અથવા ટી-શર્ટ, સાદા ટ્રાઉઝર અને સામાન્ય ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: NEET પરીક્ષા કેન્દ્રના વિવાદ પર NTA એ પુરાવા સાથે આપી સ્પષ્ટતા; કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ …
આ પણ વાંચો: હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો
આ પણ વાંચો: NEET પહેલા 3 દિવસ બાકી, વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન
