World News/ કુવૈત એરપોર્ટ પર હુમલામાં ભારતીય નાગરિકનું મોત

કુવૈતમાં ભારતીય દૂતાવાસે હુમલા (Attack)માં એક ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ કરી છે

Top Stories World
કુવૈતી અધિકારીઓએ દાવો કર્યો છે કે 3 જૂને એરપોર્ટના ટર્મિનલ-1ને નિશાન બનાવી હુમલો (Attack)કરવામાં આવ્યો હતો

World News : મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા કથિત ડ્રોન અને મિસાઈલ હુમલા (Attack) બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે. કુવૈતી અધિકારીઓએ દાવો કર્યો છે કે 3 જૂને એરપોર્ટના ટર્મિનલ-1ને નિશાન બનાવી હુમલો (Attack)કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને 63 લોકો ઘાયલ થયા છે.

કુવૈતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે. વીડિયોમાં મુસાફરો અને સ્ટાફ ગભરાઈને સલામત સ્થળે દોડતા નજરે પડે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાથી એરપોર્ટની ઇમારતો અને અન્ય સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે.

ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ

કુવૈતમાં ભારતીય દૂતાવાસે હુમલા (Attack)માં એક ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ કરી છે. દૂતાવાસે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જરૂરી સહાય પૂરી પાડવા માટે કુવૈતી સત્તાધીશો સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. જોકે, મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

ઈરાને સંડોવણી નકારી

બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ કુવૈત એરપોર્ટ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો છે. IRGCના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની વાયુસેનાએ એરપોર્ટને નિશાન બનાવ્યું નથી અને પ્રાથમિક તપાસમાં પણ આવા કોઈ પુરાવા મળ્યા નથી.

અમેરિકાના હિતોને નિશાન બનાવ્યાનો દાવો

હુમલા બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં IRGCએ દાવો કર્યો હતો કે અમેરિકાના હિતો અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના જણાવ્યા મુજબ આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટ નજીક તેના તેલ ટેન્કર પર થયેલા કથિત હુમલાના જવાબરૂપે કરવામાં આવી હતી.

યુદ્ધવિરામ પ્રયાસો વચ્ચે નવી ચિંતા

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધવિરામ માટે ચર્ચાઓ ચાલી રહી છે. આવા સમયે કુવૈત અને બહેરીનને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવાઓએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે. ઈરાનના વિદેશ પ્રધાને જણાવ્યું છે કે તેમનો દેશ યુદ્ધ ઇચ્છતો નથી, પરંતુ જરૂર પડશે તો પોતાના હિતોની રક્ષા કરવાનું ચાલુ રાખશે.

આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા અને સ્થિરતા અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે.


આ પણ વાંચો :ઈરાન-અમેરિકા શાંતિ વાટાઘાટો નિષ્ફળ, પરમાણુ મુદ્દે તણાવ વધ્યો, હોર્મુઝ સ્ટ્રેટમાં હલચલ

આ પણ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ યુરેનિયમ પર મોટો વિવાદ, ટ્રમ્પનો ‘પૂર્ણ નિકાલ’નો દાવો

આ પણ વાંચો :ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો 5મો દિવસ, તેહરાનમાં વિસ્ફોટોથી હાહાકાર