Rupee vs Dollar Today: વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને આર્થિક હલચલને કારણે ભારતીય રૂપિયામાં આજે મોટું ગાબડું જોવા મળ્યું છે. મુંબઈ કરન્સી બજારમાં ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર સામે તૂટીને ₹95.97ની સપાટી સુધી પટકાયો હતો. જોકે, દિવસના અંતે શેરબજારમાં જોવા મળેલી તેજીને કારણે રૂપિયો થોડો સુધરીને ₹95.79 પર બંધ રહ્યો હતો.
એશિયાઈ કરન્સીમાં Rupee સૌથી નબળો
બજારના નિષ્ણાંતોના મતે, એશિયાની અન્ય કરન્સીની સરખામણીએ ભારતીય રૂપિયાનો દેખાવ સૌથી નબળો રહ્યો છે. આ વર્ષના આંકડા જોઈએ તો ભારતીય રૂપિયો ડોલર સામે 6% જેટલો ગબડ્યો છે, જેની સામે ચીની કરન્સી (યુઆન) માં માત્ર 1.5% નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે જાપાનીઝ કરન્સી (યેન) ડોલર સામે 3% જેટલી મજબૂત થઈ છે.

પાઉન્ડ અને યુરો પણ મોંઘા થયા
માત્ર ડોલર જ નહીં, પરંતુ અન્ય વિદેશી કરન્સી સામે પણ રૂપિયો નબળો સાબિત થયો છે. જેમાં બ્રિટિશ પાઉન્ડ 13 પૈસા વધીને ₹129.51 પર પહોંચ્યો છે અને યુરો 17 પૈસાના વધારા સાથે ₹112.21 પર બંધ રહ્યો છે. આ ઉપરાંત, ચીની યુઆન ડોલર સામે વધીને 6.79 ના સ્તરે પહોંચતા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે.
કેમ તૂટ્યો રૂપિયો?
રૂપિયામાં આવેલા આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ડોલરનો ઇન્ડેક્સ મજબૂત થવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં આવતી વધઘટ મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે, આજે સરકારી બેંકોએ ડોલરની વેચવાલી કરતા રૂપિયાને વધુ તૂટતો અટકાવ્યો હતો. હવે શુક્રવારે રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર થનારા ‘ફોરેક્સ રિઝર્વ’ ના ડેટા પર આખા બજારની નજર છે.
સામાન્ય માણસ પર શું અસર થશે?
રૂપિયો નબળો પડવાથી વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, ક્રૂડ ઓઈલ અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ વધી શકે છે.
આ પણ વાંચો: ગયા વર્ષે કેમ નબળો રહ્યો રૂપિયો, આર્થિક સર્વેમાં આપવામાં આવ્યું કારણ
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયો 86 ની સપાટીએ પહોંચ્યો, 14 પૈસા ઘટીને થયો બંધ
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયો કેમ સતત નબળો પડી રહ્યો છે? તેની સીધી અસર તમારા જીવન પર પડશે
