પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 15થી 20 હુમલાખોરોએ એક બસમાં સવાર 14 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે જ્યારે 2 લોકોએ કોઇ પ્રકારે ભાગીને જીવ બચાવ્યો હતો. હજુ સુધી હુમલાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલાખોરોની ઓળખ કરવામાં પોલીસ પણ નિષ્ફળ સાબિત થઇ છે. જે બસના યાત્રીઓને નિશાન બનાવ્યા તે કરાચીથી ગ્વાદર જઇ રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર 5-6 બસો અટકાવનાર હુમલાખોરોની સંખ્યા અંદાજિત 2 ડઝન હતી અને તેઓએ પેરામિલિટરી ફ્રન્ટિયર કોર્પ્સના યુનિફોર્મ પહેર્યા હતા. આ ઘટના બુજી ટોપ વિસ્તારના મકરાન કોસ્ટલ હાઇવે પર થઇ છે. હુમલાખોરોએ યાત્રીઓને ઓળખપત્રોની તપાસના બહાને નીચે ઉતાર્યા. બસમાંથી કુલ 16 યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. હજુ સુધી એ જાણકારી નથી મળી કે, હુમલાખોર કોણ હતા અને તેમનો હેતુ શું હતો. હુમલામાં બચેલા 2 લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
