Not Set/ IPL 2018 : ઇન્દોરમાં પંજાબને ૬ વિકેટે હરાવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે મારી બાજી

ઇન્દોર, ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા MIની ટીમે ૧ ઓવર બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય હાંસલ કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના શાનદાર વિજયના હિરો ઓપનર […]

Sports

ઇન્દોર,

ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા MIની ટીમે ૧ ઓવર બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, મિડલ ઓર્ડર બેટ્સમેન કૃણાલ પંડ્યા અને કેપ્ટન રોહિત શર્મા રહ્યા હતા. પરંતુ સૂર્યકુમાર યાદવને ૫૭ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૭૪ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા DDની ટીમની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ અને કેરેબિયન સ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેલની જોડીએ ૫૪ રન જોડ્યા હતા. રાહુલે ૨૦ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા જયારે ક્રિશ ગેલે ૪૦ બોલમાં ૬ ચોક્કા અને ૨ સિક્સર સાથે શાનદાર ફિફ્ટી ફટકારી ઝડપી બોલર બેન કટિંગનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કરુણ નાયરે ૨૩ રન અને અક્ષર પટેલ ૧૩ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. જયારે મેચની અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોનિશે માત્ર ૧૫ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મેકલેનેગને અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

પંજાબની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટને મુંબઈની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૯ ઓવરમાં જ વટાવી વિજય પોતાના નામે કર્યો હતો. ૧૭૫ રનના લક્ષ્યનો પીછો કરતા MIની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક બેટ્સમેન લુઇસ માત્ર ૧૦ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે સૂર્યકુમાર યાદવે ૪૨ બોલમાં ૬ ચોક્કા અને ૩ સિક્સર સાથે ૫૭ રન ફટકાર્યા હતા.

લુઇસના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા ઇશાન કિશને ૧૯ બોલમાં ૨૫ રન અને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ૨૩ રન બનાવ્યા હતા. જો કે ત્યારબાદ મેદાનમાં આવેલા કેપ્ટન રોહિત શર્મા અને કૃણાલ પંડ્યાની તુફાની ઇનિંગ્સના સહારે મેચ જીતવા માટે જરૂરી લક્ષ્યને વટાવ્યો હતો.

રોહિત શર્માએ ૧૫ બોલમાં ૨ સિક્સર અને ૨ ચોક્કા સાથે અણનમ ૨૪ રન બનાવ્યા હતા જયારે કૃણાલ પંડ્યાએ ૪ ચોક્કા અને ૨ સિક્સર સાથે માત્ર ૧૨ બોલમાં ૩૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. પંજાબ તરફથી સ્પિન બોલર મુજિબે ૨ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇ અને સ્ટોનિશે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.